આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૬.
ગામડાંના રસ્તા

ગામડાંનાં ઉકરડા કેમ દૂર કરાય ને તેથી આરોગ્યને થતું નુકસાન મટાડી તેમાંથી સુવર્ણરૂપ ખાતર કેમ પેદા કરી શકાય, છાણનો ઉપયોગ છાણાં બનાવવામાં કરવાને બદલે તેનું ખાતર કરી ગામડાંની ઊપજ સહેજે કેમ વધારી શકાય, તળાવ અને કૂવા સાફ કરી, રાખી આરોગ્યની રક્ષા કેમ કરી શકાય એ આપણે જોયું.

હવે ગામડાંનાં રસ્તા તરફ નજર કરીએ. ગામડાંનાં રસ્તા જોઈએ તો તે વાંકા અને જાણે ધૂળના ઢગલા હમણાં જ સપાટ કરી નાખ્યાં ન હોય એવા જોવામાં આવે છે. તેની ઉપર ચાલતાં મનુષ્યને તેમાં જ ગાડાં ખેંચતા ઢોરને ભારે કષ્ટ પડે છે. આને પરિણામે આપણાં ગાડાં પણ એવાં ભારે ને ભારે પૈડાંવાળાં કરવામાં આવે છે કે બળદને બમણો બોજો નકામો ઊચકવો પડે છે. ધૂળના થર જામેલા રસ્તા કાપવાનું કષ્ટ અને ભારે ગાડાંનું વજન ખેંચવાનું ખર્ચ. જો રસ્તા પાકા હોય તો બળદ બમણો માલ ઊચકે, ગાડાં સસ્તાં થાય ને ગ્રામવાસીઓના આરોગ્યમાં વૃદ્ધિ થાય.