આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જણાય ત્યારે પડોશી મજૂરની મદદ લે. રોજ થોડો સમય ગ્રામવાસીઓ રસ્તાઓને આપે તો થોડા સમયમાં રસ્તા સુધારી લે. આમ કરવાને સારુ ગામડાંની શેરીઓનો ને આસપાસના ગામે જવાના માર્ગનો નક્શો તૈયાર કરી પોતાની શક્તિ અનુસાર કાર્યક્રમ ગોઠવે, અને તેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, બધાં ઓછોવત્તો ભાગ ભરી શકે. અત્યારની આપણી સ્થિતિ કેવળ કૌટુંબિક જીવનની છે. ગ્રામસુધારણાનો આધાર કૌટુંબિક ભાવનાને ગામ લગી પહોંચાડવા ઉપર રહ્યો છે. ગામડાંનાં દેખાવ ઉપરથી આપણી સભ્યતાનો આંક મુકાય. પ્રત્યેક કુટુંબનું પ્રત્યેક જણ જેમ કુટુંબનું ઘર સાફ રાખશે તેમ પ્રત્યેક કુટુંબે પોતાના ગામને વિષે કરવા તૈયાર થવું જોઈએ. આમ થાય તો જ ગ્રામવાસી સુખે રહી શકે અને સ્વાશ્રયી થાય. આજ તો દરેક બાબતમાં સરકાર તરફ દૃષ્ટિ રહે છે. સરકાર ઉકરડા સાફ કરે, સરકાર રસ્તા બનાવે, સમારે, સરકાર કૂવાતળાવ સાફ રાખે, સરકાર બાળકોને ભણાવે, સરકાર વાઘવારુથી બચાવે, સરકાર આપણી માલમિલકતની રક્ષા કરે. આ વૃત્તિને કેળવી આપણે અપંગ બન્યા છીએ ને તે સ્થિતિમાં વધારો થતો જાય છે તથા કરનો બોજો વધતો જાય છે.