આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કે ધારાસભાની કે કાયદાઓની જરૂર પડતી નથી. માત્ર એક જ આવશ્યકતા રહે. અને તે હાથના વેઢા ઉપર ગણી શકાય તેટલાં શુદ્ધભાવે કાર્ય કરનારાં સ્ત્રી પુરુષોની. તેઓ પોતાના આચરણથી, સેવાભાવથી પ્રત્યેક ગામડામાં જોઈતા ફેરફારો કરાવી શકે છે. તેઓને રાતદહાડો એ જ કામમાં રોકાવું પડે એવું પણ કાંઈ નથી. તેઓ પોતાની આજીવિકાનું કામ કરતાં છતાં સેવાવૃત્તિ ધરાવવાથી પોતાના ગામડામાં મહત્ત્વના ફેરફાર કરાવી શકે છે.

આવા સેવકોને ભારે કેળવણીની જરાયે આવશ્યકતા નથી. બિલકુલ અક્ષરજ્ઞાન ન હોય તોપણ ગ્રામસુધારાનું કામ થઈ શકે છે. આમાં સરકાર કે રજવાડા વકમાં આવી શકતા નથી, અને તેઓની મદદની ઓછી જરૂર રહે છે. પ્રત્યેક ગામમાં આ પ્રમાણે સ્વયંસેવકો નીકળી પડે તો જરાયે આડંબર વિના, મોટી ચળવળો વિના સમસ્ત હિંદુસ્તાનનું કારી થઇ શકે, અને ઘણા થોડા પ્રયત્નથી અણધાર્યું પરિણામ લાવી શકાય. આમાં દ્રવ્યની પણ જરૂર ન હોય એમ તો વાંચનાર સહેજે સમજી શકશે. જરૂર માત્ર સદાચારની એટલે ધર્મવૃત્તિની રહેલી છે.