આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખેડૂતોની ઉન્નતિનો આ સહેલામાં સહેલો રસ્તો છે એમ હું અનુભવપૂર્વક જાણું છું. આવા પ્રયાસમાં કોઈ પણ ગામને બીજાં ગામોની રાહ જોવાની જરૂર રહેતી નથી અને કોઈ પણ વ્યક્તિને બીજાની રાહ જોવાની જરૂર રહેતી નથી. જે ગામમાં જે એક પણ પુરુષ અથવા સ્ત્રીને લોકસેવા કરવાનો શુદ્ધ વિચાર થાય તે એ જ ક્ષણે કરી શકે છે, અને તેમાં તેની આખા હિંદુસ્તાનની પૂરેપૂરી સેવાનો સમાવેશ થાય છે. મારી ઉમેદ છે કે ગામડાંઓમાં વસનાર જેઓના હાથમાં આ આવે તે મેં સૂચવેલો અખતરો શરૂ કરશે અને થોડા જ સમયમાં પોતાના અખતરાનું પરિણામ દેશને બતાવી શકશે. એ અખતરો કેમ શરૂ કરી શકાય એ વિષે કેટલાક અનુભવો હું હવે પછીના અંકમાં વાંચનારની આગળ રજૂ કરીશ. પણ જે આ વસ્તુના મહાતત્ત્વને સમજી ગયેલ છે તેવા સેવક એક અઠવાડિયાની પણ રાહ જોયા વિના શરૂ કરી દેશે એવી હું ઉમેદ રાખું છું.