આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગામડામાં કાર્ય કરતા થઈ જશે. અને જો એમ થશે તો આપણે થોડા જ સમયમાં કેટલાંક ગામડાંની સ્થિતિ ઉપર ભારે અસર ઉપજાવી શકીશું.


ખેડૂતોની દશાનો વિચાર કર્યો. ગામડાંઓમાં સ્વચ્છતાના નિયમો નથી જળવાતા એ પણ આપણે જોયું. 'પહેલું સુખ તે જાતે નર્યા' એ કહેવતમાં ઘણું સત્ય છે. ભારે ઊંચી દશાએ પહોંચેલ સ્ત્રી-પુરુષ ભલે રોગે પીડાતાં હોય, છતાં તે પોતાની દશા સાચવી શકે. પણ આપણે જેઓને હજુ ટોચે ચડાવાનું છે તે તો રોગગ્રસ્ત હોઇએ તો ચડતાં હાંફીએ જ.

અંગ્રેજીમાં એક કહેવત છે કે 'ઠંડે પગે કોઈ સ્વર્ગે ન જઈ શકે.' ઇંગ્લંડ જેવા ઠંડા મુલકમાં લોકોના પગ ઠંડા રહે તો અકળામણ થાય. ઈશ્વરને સંભારવાનુંયે ત્યારે ન સૂઝે. કહેવત છે કે 'સ્વચ્છતા એ દૈવી સ્થિતિના જેવી છે.' મેલા રહેવાનું કે મેલા વાતાવરણમાં રહેવાનું આપણને કંઈ કારણ નથી. મેલામાં પવિત્રતા ન હોય. મેલ એ અજ્ઞાનની, આળસની નિશાની છે. એમાંથી ખેડૂતો કેમ નીકળે? આપણે સ્વચ્છતાના નિયમો તપાસીએ.