આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હું મથી રહ્યો છું. ગમે તેમ હો પણ આ બે વસ્તુઓ ગ્રામસેવાના અનિવાર્ય અંગરૂપ હોવી જોઈએ. એમાં ગ્રામસેવકનો રોજના બે કલાકથી વધારે વખત ન જવો જોઈએ. ગ્રામસેવકને માટે આઠ કલાકના કામ જેવી વસ્તુ જ નથી. તેને માટે ગ્રામવાસીને માટે મજૂરી કરવી એ તો પ્રેમને ખાતર કરેલું કામ છે. એટલે આજીવિકાને અર્થે તો તે આ બે કલાક ઉપરાંત ઓછામાં ઓછા આઠ કલાક આપશે જ. એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચરખા સંઘ અને ગ્રામઉદ્યોગ સંઘે ઘડેલી નવી યોજના પ્રમાણે સર્વ પ્રકારની મજૂરીની ઓછામાં ઓછી અમુક સરખી કીમત ગણાવાની છે. એટલે એક કલાક પીંજણ ચલાવીને સરેરાશ અમુક પ્રમાણમાં પોલ કાઢનાર પિંજારાને એટલી જ મજૂરી મળશે જેટલી વણકર, કાંતનાર અને કાગદીને તેમના દરેકના કલાક દીઠ ઠરાવેલા પ્રમાણમાં કરેલા કામની મળશે. એટલે ગ્રામસેવક જે કામ સહેલાઈથી કરી શકે તે પસંદ કરીને શીખવાની તેને છૂટ છે. માત્ર તેણે હંમેશાં એવું કામ પસંદ કરવાની કાળજી રાખવી જોઈએ કે જેમાંથી પેદા થયેલો માલ તેના ગામડામાં કે આસપાસના ગાળામાં ખપી જાય એવો હોય કે જેની આ સંઘોને જરૂર હોય.