આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧.
ગ્રામકેળવણી


આ પૂર્તિની મારફત કાકાસહેબ અનેક અર્થ સારવા માગે છે. તેમાંનો એક એ છે કે ભણતરની જે વય સામાન્ય રીતે માનવામાં આવે છે તે વટાવી ગયેલાં, ગૃહસ્થાશ્રમમાં રહેતાં, કામધંધે વળગેલાં મહાગુજરાતનાં દસેક હજાર ગામડાંનાં સ્ત્રીપુરુષોને પણ જે કંઇ શક્ય હોય તે કેળવણી મળે. આવી કેળવણીનો અર્થ ઉદાર કરવો જોઇએ. એ અક્ષરજ્ઞાનથી પર છે. ગ્રામવાસીઓને આજની દૃષ્ટિએ વ્યવહારુ જ્ઞાન ઘણી દિશામાં હોતું નથી; અને ઘણી વાર તેને બદલે અજ્ઞાનમય વહેમો તેમના પર સામ્રાજ્ય ભોગવતા હોય છે. તેમના વહેમો દૂર થાય અને તેમને ઉપયોગી જ્ઞાન મળે એ હેતુ કંઈક અંશે આ પૂર્તિ દ્વારા કાકાસાહેબ સારવા ઇચ્છે છે.