આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો મારાથી કંઈ રસ્તો બતાવાય એમ નથી. એમણે નીરોગી, કદાવર, પ્રમાણિક, બુદ્ધિશાળી અને તેમના માતાપિતાએ સ્વીકારેલા નિવાસસ્થાનમાં ગમે ત્યારે આજીવિકા મેળવવાને શક્તિમાન એવા ગ્રામવાસીઓ બનાવવા હોય, તો તેમને માતાપિતાના ઘરમાં જ સર્વાંગીણ કેળવણી મળશે. વધારામાં તેઓ સમજણા થાય અને પધ્ધતિસર હાથપંગ વાપરતાં થાય ત્યારથી કુટુંબની કમાણીમાં કંઈક ઉમેરો કરવા લાગશે. સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રમાણિક સદ્ગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી. આજની હાઇસ્કૂલનું શિક્ષણ ગ્રામવાસીઓ પર મોટા બોજારૂપ છે. એમનાં બાળકોને એ કદી મળી શકવાનું નથી, અને ઈશ્વરકૃપાએ જો એમને સુઘડ ઘરની તાલીમ મળી હશે તો એ શિક્ષણની ખોટ તેમને કદી સાલવાની નથી. ગ્રામસેવક કે સેવિકામાં સુઘડતા ન હોય, સુઘડ ઘર ચલવવાની શક્તિ ન હોય તો તે ગ્રામસેવાનું સદ્ભાગ્ય કે માન મેળવવાનો લોભ ન રાખે એ જ સારું છે.