આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણે ગ્રામવાસીઓ સામે ચિડાઈશું નહિ, તો તેમના વહેમ સૂર્યકિરણ આગળ ધૂમસ ઓસરી જાય એમ ઓસરી જશે. જમાનાઓથી જામેલું અજ્ઞાન થોડાક મહિનાના પદાર્થપાઠથી ન નીકળી જાય.

સિંદીમાં અમે ચોમાસાને માટે તૈયારી કરી રહ્યા છીએ. ખેતરના માલિકોએ પોતાના પાકને તો સાચવવા જ રહ્યા. તેથી અત્યારે જેમ ઘણા માલિકો લોકોને છૂટથી ખેતરમાં જવા દે છે તેમ ચોમાસે નહિ જવા દઈ શકે. અમે એમણે સૂચના કરી છે કે તેઓ ખેતરની હદથી થોડાક ફૂટ અંદર વાડ બાધે, ને હદના નિશાન જેમનાં તેમ રહેવા દે. તેઓ જે થોડાક ફૂટ છોડી દેશે તે ચોમાસાની આખર સુધીમાં ખેતરની સુદર ખાતરથી ભરેલી પટીઓ બની જશે. એવો વખત આવતો જાય છે જયારે ખેતરના માલિકો લોકોને શૌચક્રિયા માટે ખેતર વાપરવાને નોતરશે. જો ડો. ફાઉલરની ગણતરી સાચી માનીએ તો કોઈ પણ ખેતરનો શૌચક્રિયા માટે ઉપયોગ કરનાર દરેક માણસ વરસમાં બે રૂપિયાની કિમંતનું ખાતર ખેતરમાં મૂકી જાય છે. આ આંકડાની ચોકસાઈ વિષે કદાચ કોઈ શંકા ઉઠાવે. ખેતરમાં મળ દટાવાથી જમીનને લાભ થાય છે એ વાત તો નિર્વિવાદ છે.