આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિના દૂર થઇ શકે એવા રોગોનું નિવારણ કરવાનાં સાધનો અને માર્ગો બતાવવાં.

આ દૃષ્ટિએ આપણે આપણાં ગામડાંની સ્થિતિ તપાસીએ. આપણાં ઘણાં ગામ ઉકરડા જેવાં જોવામાં આવે છે. તેમાં જ્યાંત્યાં લોકો મળત્યાગ કરે છે. ઘરનાં આંગણાંને પણ છોડતાં નથી. જ્યાં મળત્યાગ થાય છે ત્યાં તેને ઢાંકવાની કોઈ કાળજી રાખતું નથી. ગામડાંમાં ક્યાંયે રસ્તા સારા રાખવામાં નથી આવતા, ને ધૂળના ઢગલા જ્યાંત્યાં જોવામાં આવે છે. આમાં આપણા બળદોને અને આપણને ચાલવાનું પણ મુશ્કેલ થઇ પડે છે. પાણીનાં તળાવ હોય છે તો તેમાં વાસણ સાફ થાય છે; તેમાં ઢોર પીએ છે, નહાય છે, અને પડી રહે છે; તેમાં બાળકો અને મોટેરાં પણ મળ સાફ કરે છે; તેની નજીકની જમીન ઉપર તો તેઓ મળત્યાગ કરે છે. આ જ પાણી પીવા રાંધવા સારુ વાપરવામાં આવે છે.

મકાનો બાંધવામાં કોઇ પણ જાતનો નિયમ જાળવવામાં આવતો નથી. મકાનો બાંધવામાં નથી પડોશીની સગવડનો વિચાર કરવામાં આવતો, નથી રહેનારને હવાઅજવાળું મળશે કે નહિ તેનો ખ્યાલ કરવામાં આવતો.