આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१४

થયા નથી. અત્યાર સુધીમાં નિધિએ એકઠા કરેલા પત્રોની સંખ્યા હજારોની થવા જાય છે, પણ હજી તેથીયે વધારે સંખ્યાના કાગળો મેળવવાના અને પ્રસિદ્ધ કરવાના બાકી છે.

આમ, ગાંધીજીના જીવનના ગમે તે ગાળાનાં લખાણો, ભાષણો અને પત્રો જયાંથી મળે ત્યાંથી શોધીને મેળવી તે બધાંને જેવાં ને તેવાં આખાં ને આખાં કાળક્રમે ગોઠવીને પ્રસિદ્ધ કરવાનો હજી સુધી કોઈ પ્રયાસ થયો નથી. ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓના ગજા બહારનું એ કામ હતું. એટલું સાધન તેમાંથી કોઈની પાસે હોય નહીં. તેથી હિંદી સરકારે તે કામ માથે લીધું છે.

ગાંધીજીએ કરેલાં ભાષણો, લખેલાં લખાણો તેમ જ મોકલેલા પત્રોનો જથ્થો તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટનાં તેમના કાર્યની શરૂઆતનાં વર્ષોમાં પણ અસાધારણ મોટો હતો. એટલા જ ગાળાની એ પ્રકારની સામગ્રીને સમાવવાને આશરે બાર પુસ્તકો થશે. તેમનાં બધાંયે લખાણો, ભાષણો અને પત્રોની કુલ સામગ્રીને સમાવવાને આમ આખી શ્રેણીનાં સાધારણ અંદાજે ચારસો ચારસો પાનાંનાં તેમનાં સાર્વજનિક જીવનનાં વર્ષોની સંખ્યા જેટલાં પુસ્તકો થશે.

વળી, તેમણે એક જ ભાષામાં ભાષણો કર્યા નથી. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લખતો અને બોલતા. તેથી એ બધી સામગ્રીના સંપાદકનું કામ કેવળ તેને એકઠી કરવા પૂરતું જ ન રહેતાં ગુજરાતી ને હિંદીમાંથી અંગ્રેજીમાં અને ગુજરાતી ને અંગ્રેજીમાંથી હિંદીમાં ચોકસાઈથી તરજુમા કરવાનું પણ રહેશે કેમ કે આ શ્રેણી એ બે એટલે કે અંગ્રેજી અને હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે. ઉપરાંત, તેમના જીવનનાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળેલાં શરૂઆતનાં વર્ષોના ગાળાની સામગ્રી લંડનની સંસ્થાનોની કચેરીના દફતરોમાં અને ખુદ દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાનની બહાર પડેલી હોવાથી કામ વધારે અટપટું બન્યું છે. દક્ષિણ આફ્રિકામાં પડેલી સામગ્રી સુધી પહોંચી તેને મેળવવાનું કામ પ્રમાણમાં વધારે મુશ્કેલ છે. અમલદારોને સંબોધીને કરેલાં લખાણો ઉપરાંત ત્યાં ગાંધીજીએ इन्डीयन ओपीनियनમાં બહોળા પ્રમાણમાં લખ્યું હતું. यंग इन्डीया, नवजीवन અને हरिजनમાં પાછળથી છપાયેલા તેમના લેખો જેમ તેમની સહીથી પ્રસિદ્ધ થયા તેવું इन्डीयन ओपीनियनમાંના તેમના લેખોનું નથી; તેમના પર તેમની સહી નથી. ગાંધીજીનાં તે લખાણો તેમનાં તરીકે પ્રમાણભૂત રીતે ઓળખાવવાના કામમાં આ શ્રેણીના સંપાદકોને એકલા इन्डीयन ओपीनियनના કામમાં જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની બીજી પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા શ્રી એચ. એસ. એલ. પોલાક અને શ્રી છગનલાલ ગાંધી એ બન્ને તરફથી કીમતી મદદ મળી છે.

ખુદ આ કામનો પ્રકાર એવો છે કે આ સંગ્રહને માટે એ પરિપૂર્ણ છે અથવા છેવટનો છે એવો દાવો થઈ ન શકે. હવે પછી સંશોધન થાય તેમાંથી હમણાં ન મળી શકયાં હોય તેવાં નવાં લખાણો મળી આવેય ખરાં. સંગ્રહને અણિશુદ્ધ સંપૂર્ણ કરવાને ખાતર અનિશ્ચિત સમય સુધી થોભી જવાનું સલાહભરેલું ન થયું હોત. આ કામમાં સુધારોવધારો કરવાનું ભવિષ્ય પર છોડવું સારું. હાલ પૂરતું જોકે જેટલી મળી શકે તેટલી બધી સામગ્રી એકઠી કરવાની, તેની સચ્ચાઈની ખાતરી કરી લેવાની અને મૂળ લખાણ સમજવામાં વાચકને મદદ થાય તેવી ટૂંકી નેાંધો સાથે પ્રસિદ્ધ કરવાની થાય તેવી બધી કોશિશ કરવામાં આવે છે. એકાદ પુસ્તકમાં લેવાલાયક સામગ્રી મેળવતાં મોડું થાય તો તેને અલગ પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે.

પહેલાં કહેવામાં આવ્યું છે તે મુજબ બધી સામગ્રીની ગોઠવણી કાળક્રમે રહેશે અને કોઈ પણ એક તારીખના લેખ, અગર ભાષણ અગર પત્રને એકસાથે રાખવામાં અાવશે. જુદા જુદા વર્ગની શબ્દસામગ્રીને અલગ અલગ શ્રેણીમાં પ્રસિદ્ધ કરવાને બદલે આ પ્રકારની ગોઠવણી