આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
२०

૧૪૯૪ની સાલ પછી થોડાં વરસ ગાંધીજી નાતાલમાં રહ્યા હતા છતાં પાછળથી જે ટ્રાન્સવાલ નામથી ઓળખાયું તે સાઉથ આફ્રિકન રીપબ્લિક એટલે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકમાંની અરજીઓને પણ આ પુસ્તકમાં લઈ લીધી છે. એ અરજીઓને ગાંધીજીના લખાણમાં ગણાવવાનું કારણ એવું છે કે દક્ષિણ આફ્રિકામાં પોતાનું પહેલું વર્ષ એટલે કે ૧૮૯૩ની સાલનો કંઈક અને ૧૮૯૪ની સાલનો થોડો ભાગ તેમણે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં ગાળ્યો હતો અને તે દરમિયાન તેમને ત્યાંના હિંદીઓનો અને તેમના સવાલોનો ઘાડો પરિચય થયો હતો. પોતાની आत्मकथाમાં (પા. ૧૨૬ પર) તેઓ લખે છે, ". . . પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હશે જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહીં થયો હોઉં." વળી, (પા. ૧૨૫ પર) તેઓ જણાવે છે, "ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગર વેતને આપવાનું મેં જણાવ્યું." ત્યાર બાદ તેમણે નાતાલમાં રહી કાર્ય કર્યું એ ખરું, છતાં ટ્રાન્સવાલના હિંદીઓ પોતાની અરજીઓ તૈયાર કરાવવાને તેમની પાસે પહોંચી જતા હોય એવો પૂરો સંભવ છે. નાતાલમાં કે ટ્રાન્સવાલમાં ગમે ત્યાં રહ્યા હોય, પણ આખાયે દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલમાં તેમને ઊંડો રસ હોઈ દક્ષિણ આફ્રિકાના ઓરેન્જ ફ્રી સ્ટેટ અને કેપ કોલોની જેવા ભાગોમાં અને રોડેશિયામાં પોતે નહોતા રહ્યા તોપણ તે બધા ભાગોમાં રહેતા હિંદીઓના સવાલો વિષે તેમણે હંમેશ લખ્યાનું જોવા મળે છે.

છતાં એટલું કહેવું જોઈએ કે હિંદીઓએ અમલદારોને અગર સરકારમાં કરેલી બધી અરજીઓ ગાંધીજીએ ઘડી નહોતી; તેઓ દક્ષિણ આફ્રિકામાં પહોંચ્યા તે પહેલાં પણ એવી કેટલીક અરજીઓ આપવામાં આવી હતી. એ અરજીઓ તેમને યુરોપિયન વકીલોએ પોતાના ધંધાની રાહે ઘડી આપી હતી એ સહેજે દેખાય એવું છે. તેમ છતાં ગાંધીજી એ ઠેકાણે પહોંચ્યા તે પછી અને હિંદીઓના સવાલોમાં તેમણે ઊંડો રસ લેવા માંડયો તે પછી સામાન્યપણે હિંદીઓએ તેમની પાસેથી જ પોતાની અરજીઓ ઘડાવવા માંડી હોય એવો પૂરો સંભવ છે. શ્રી છગનલાલ ગાંધી અને શ્રી પોલાક બન્નેએ લગભગ ૧૯૦૪ની સાલથી માંડીને ગાંધીજી સાથે કાર્ય કર્યું અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના બાકીના વખતના વસવાટ દરમિયાન જે બન્ને તેમની સાથે જોડાયેલા રહ્યા તેમનો પણ એવો જ અભિપ્રાય છે.

બીજાં બે લખાણો પર ગાંધીજીની સહી નથી છતાં તે બન્ને આ પુસ્તકમાં લેવામાં આવ્યાં છે. નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનું બંધારણ અને તેના કામકાજનો પહેલો હેવાલ એ બે તે લખાણો છે. ગાંધીજીએ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી અને તેઓ તેના પહેલા મંત્રી હતા. ગાંધીજીએ પોતાને હાથે લખેલો એ બંધારણનો એક ખરડો મળી આવ્યો છે.

મળી આવતા પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે ગાંધીજીએ પહેલી અરજી ૧૮૯૪ની સાલના જૂન માસમાં ઘડી હતી, ત્યાર બાદ તેમણે અવિશ્રાન્તપણે એક પછી એક ઝપાટાબંધ અરજીઓ તૈયાર કરી હોય એમ લાગે છે. પોતાના સાર્વજનિક કાર્યમાં આ તબક્કે અન્યાયો દૂર કરાવવાને તેમણે હીકકતો મેળવીને પ્રસિદ્ધ કરવાની અને દલીલો રજૂ કરી તર્કબુદ્ધિને તેમ જ અંત:કરણને એટલે કે ધર્મબુદ્ધિને અપીલ કરવાની રીત અખત્યાર કરી હતી. બાર વર્ષથીયે વધારે સમય સુધી દક્ષિણ આફ્રિકામાં આ કાર્યપદ્ધતિનો પ્રયોગ કર્યા પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે સ્થાપિત