આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧. પિતાને પત્ર

[ગાંધીજીએ પહેલવહેલા લખેલા પત્રમાંના એકને વિષે આ ઉલ્લેખ છે. મૂળ લખાણ મળી શકે એમ ન હોવાથી તેમની आत्मकथाમાંથી તેમનું પોતાનું આપેલું વર્ણન અહીં ઉતારવામાં આવ્યું છે. પંદર વરસની ઉંમરે પોતાના ભાઈએ કરેલું નાનું સરખું કરજ ફેડવાને માટે ભાઈના સોનાના નક્કર કડામાંથી એકાદ તોલાનો સોનાનો કકડો તેમણે કાપી લીધો હતો. પોતાના કામથી તેમને એટલું બધું હીણું લાગ્યું કે પિતાની પાસે વાત કબૂલ કરી દેવાનો તેમણે નિશ્ચય કર્યો. કંઈ પણ કહ્યા વગર પિતાએ મૂંગે મોઢે અાંસુ ઢાળી માફી આપી. આ બનાવની તેમના મન પર કાયમની છાપ રહી ગઈ. ગાંધીજીએ પોતે કહ્યું છે કે 'મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો.']

[૧૮૮૪]


મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુ:ખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

[મૂળ ગુજરાતી]

आत्मकथा, ૧૯૫૨, પા. ૨૬


૨. રાજકોટની હાઈસ્કૂલમાં ભાષણ

[બૅરિસ્ટરની પરીક્ષા માટે અભ્યાસ કરવાને માટે ગાંધીજી વિલાયત જવાની તૈયારીમાં હતા ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમની સાથે ભણનારા વિદ્યાર્થીઓએ તેમને વિદાય આપવાને કરેલા મેળાવડામાં તેમણે પોતાનું પહેલવહેલું ભાષણ ૧૮૮૮ની સાલના જુલાઈ માસની ૪થી તારીખે કર્યું લાગે છે. પોતાની आत्मकथाમાં તેઓ કહે છે, 'જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યે વાંચી શકયો. માથું ફરતું હતું. શરીર ધ્રૂજતું હતું એટલું મને યાદ છે' (પા. ૩૮). એ વખતે તેમની ઉંમર અઢાર વરસની હતી. તેમણે, જે કહેલું તેનો છાપાનો હેવાલ નીચે આપ્યો છે.]

જુલાઈ ૪, ૧૮૮૮


રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલના એક વિદ્યાર્થી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી જે સામળદાસ કૉલેજમાં ભાવનગર પહેલા વર્ષનો અભ્યાસ કરતા હતા તે હાલમાં વિલાયત બારિસ્ટરનો અભ્યાસ કરવાને જાય છે તેના માનમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો એક મેળાવડો તા. ૪ જુલાઈ, ૮૮ના રોજ હાઈસ્કૂલમાં થયો હતો. તે વખતે શ્રી મોહનદાસ ગાંધીને આપેલા માનપત્રના જવાબમાં તેણે કહ્યું હતું કે–

'હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઈંગ્લંડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે.'