આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લંડન ડાયરીમાંથી

પણ આપ્યા પણ તેમનાં નામ મને યાદ રહ્યાં નથી. ભાઈ માનશંકરે મને ચાંદીનો છેડો આપ્યો અને તે સૌ મને ત્રણ વરસને માટે વિદાય આપીને પાછા ફર્યા. આ પૂરું કરતા પહેલાં મારે નોંધવું જોઈએ કે હું જે સ્થિતિમાં હતો તેમાં કોઈ બીજો હોત તો મને ખાતરી છે કે તે વિલાયતનું બારું જોવા પામ્યો ન હોત. મારે જે મુશ્કેલીઓ પાર કરવી પડી તેમને લીધે એમ ને એમ બનત તેના કરતાં ઇંગ્લંડ મને વધારે પ્યારું બન્યું.

४थी सप्टे., १८८८. દરિયાની સફર. આગબોટે લંગર ઉપાડયું ત્યારે સાંજના પાંચ વાગ્યાનો સુમાર હતો. સફરમાં મને શું થશે. ફાવશે કે નહીં તેની મને ઘણી ફિકર રહેતી હતી. પણ સારે નસીબે મને દરિયાની સફર ફાવી ગઈ. આખીયે સફરમાં મને દરિયાઈ માંદગી ન નડી અને ઊલટીઓ પણ ન થઈ. મારી જિદગીમાં આગબોટની આ મારી પહેલવહેલી મુસાફરી હતી. સફરમાં મને બહુ મજા આવી. આશરે છ વાગ્યાને સુમારે ભોજનનો ઘંટ વાગ્યો. આગબોટ પર ખાણીપીણી વગેરેની વ્યવસ્થા સંભાળનારા સ્ટુઅર્ડે મને જમવાના ટેબલ પર જવાને કહ્યું. પણ ત્યાં જઈને જમવાને બદલે મેં હું મારી સાથે જે લઈ આવ્યો હતો તે ખાધું. મિ. મજમુદાર પહેલી જ રાતે મારી સાથે જે છૂટથી વર્ત્યા તેથી મને ઘણી નવાઈ થઈ. અમે જાણે બહુ જૂની ઓળખાણવાળા હોઈએ તેવી રીતે તેમણે મારી સાથે વાતો કરી. તેમની પાસે કાળો કોટ નહોતો. તેથી ભોજનમાં જવાને માટે મેં મારો તેમને આપ્યો. તે પહેરીને તે ટેબલ પર ગયા. તે રાતથી તે મને બહુ ગમી ગયા. તેમણે પોતાની ચાવીઓ મને સેાપી દીધી અને તે જ રાતથી હું તેમને મારા મોટા ભાઈ ગણીને ચાલવા લાગ્યો. એડન સુધી અમારી સાથે એક મરાઠા દાક્તર હતા. એકંદરે તે સારા માણસ લાગતા હતા. આમ બે દિવસ સુધી બોટ પર હું જે મીઠાઈ ને ફળફળાદિ લઈ ગયો હતો તેના પર મેં ચલાવ્યું. તે પછી બોટ પરના થોડા નોકરો સાથે મિ. મજમુદારે અમારે માટે રસોઈની ગોઠવણ કરી. મારાથી તો આવી કોઈ સમજૂતી થઈ જ ન શકત. અમારી સાથે એક અબદુલ મજીદ કરીને ભાઈ હતા તે પહેલા વર્ગના મુસાફર હતા. જયારે અમે સલૂનના હતા. પેલા નોકરે કરેલી રસોઈનું ભોજન અમને ફાવી ગયું.

હવે થોડી આગબોટ વિષે વાત. આગબોટ પરની વ્યવસ્થા મને ઘણી ગમી. આપણે કૅબિનોમાં અગર સલૂનમાં બેસીએ છીએ ત્યારે કૅબિનો કે સલૂન સ્ટીમરના ભાગ છે એવો ખ્યાલ આપણને રહેતો નથી. કેટલીક વાર તો આગબોટની ગતિ પણ આપણને જરાયે વરતાતી નથી. કામદારો અને ખારવાઓની ચપળતા વખાણવા લાયક હતી. આગબોટ પર સંગીતનાં વાદ્યો હતાં. હું વારંવાર પિયાનો વગાડતો. બોટ પર પત્તાં, શેતરંજ અને ડ્રાફટ્સની રમતોની વ્યવસ્થા હતી. યુરોપિયન મુસાફરો રાતે કેટલીક રમતો રમતા. તૂતકોથી મુસાફરોને ઘણી રાહત રહે છે. સામાન્યપણે કૅબિનોમાં બેસી રહેવાનો આપણને કંટાળો આવે તૂતકો પર આપણને તાજી હવા મળે. તમારામાં હિંમત હોય ને આગળ પડવાનો ગુણ હોય તો તમારી સાથેવાળા બીજા મુસાફરોમાં તમે ભળી શકો ને તેમની સાથે વાતોમાં ઊતરી શકો. આકાશ ચોખ્ખું હોય ત્યારે દરિયાનો દેખાવ મજાનો હોય છે. એક અજવાળી રાતે હું દરિયો નીરખતો હતો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ મને દેખાતું હતું. મોજાંઓ હાલતાં તેથી જાણે ચંદ્ર આમથી તેમ ઝોલાં ખાતો હોય એવું લાગતું હતું. એક અંધારી રાતે આકાશ નિર્મળ હતું ત્યારે તારાઓનાં પ્રતિબિંબ પાણીમાં પડતાં હતાં. તે વખતે અમારી આજુબાજુનું દૃશ્ય ઘણું મનોહર હતું. પહેલાં તો એ શું છે તેની મને કલ્પના ન આવી. તે પ્રતિબિંબો જાણે બધા હીરા વેરાયેલા પડયા હોય એવાં લાગતાં હતાં. પણ હીરો પાણીમાં તરે નહીં એ હું જાણતો હતો. પછી મને લાગ્યું કે માત્ર રાત્રે દેખી શકાય એવાં આગિયા જેવાં