આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
લંડન ડાયરીમાંથી

સાંજે અમે રાતા સમુદ્રમાં પ્રવેશ કર્યો. અમને ગરમી લાગવા માંડી. પણ કેટલાક લોકો મુંબઈમાં કહેતા હતા તેવી એ દઝાડે એવી નહોતી એમ મને લાગે છે. અલબત્ત, કેબિનોમાં તો સહન થાય એવી નહોતી. વળી, માથે સીધો તડકો તમારાથી લેવાય નહીં, તમારી કૅબિનમાં તો તમને પાંચ મિનિટ પણ રહેવાનું ગમે નહીં. પણ તૂતક પર હો તો તાજી હવાવાળો મજાનો પવન તમને મળે. કંઈ નહીં તો હું તો એ મજા લેતો. લગભગ બધા મુસાફરો તૂતક પર સૂતા અને હું પણ તેમ જ કરતો. સવારના તરતના ઊગેલા સૂરજનો તડકો પણ ખમાય નહીં એવો હોય. પણ તૂતક પર હો ત્યાં તમે હંમેશ સલામત. આવી આકરી ગરમી આપણને ત્રણ દહાડા લાગે. પછી ચોથી રાતે અમે સુએઝની નહેરમાં પેઠા. દૂરથી સુએઝના દીવા અમે જોઈ શકતા. રાતો સમુદ્ર કયાંક પહોળો તો કયાંક છેક સાંકડો હતો. કયાંક કયાંક તો એટલો બધો કે બંને બાજુની જમીન દેખાય. સુએઝની નહેરમાં દાખલ થતાં પહેલાં અમે હેલ્સ ગેટ[નરકના દરવાજા]માંથી પસાર થયા. હેલ્સ ગેટ પાણીની ઘણી સાંકડી નાળ છે ને તેની બંને બાજુ ટેકરીઓ આવેલી છે. એમાંથી પસાર થતાં ઘણાં વહાણ અથડાઈને ભાંગી જાય છે તેથી એનું એવું નામ પડેલું છે. અમે રાતા સમુદ્રમાં એવું ભાંગેલું વહાણ જોયું. સુએઝમાં અમે અર્ધાએક કલાક રોકાયા. હવે કહેવામાં આવ્યું કે તમને ટાઢ વાવા માંડશે. કોઈ વળી કહેતા કે એડન છોડયા પછી તમારે દારૂની જરૂર પડશે. પણ એ વાત ખોટી હતી. હવે મેં મારી જોડેવાળા મુસાફરો સાથે થોડી થોડી વાત કરવા માંડી હતી. તેમણે કહ્યું કે એડન છોડયા પછી તમારે માંસના ખોરાકની જરૂર પડવાની; પણ તેવું નહોતું. જિંદગીમાં પહેલી વાર અમારી બોટને માથે મેં વીજળીની બત્તી જોઈ તે ચાંદરણા જેવી લાગતી હતી. વહાણનો આગલો ભાગ ઘણો મજાનો દેખાતો હતો. જેમ બીજો માણસ આપણા કરતાં આપણા શરીરની સુંદરતા વધારે સારી રીતે જોઈ શકે તેમ મને લાગે છે કે બહાર બીજી જગ્યા પર ઊભેલા માણસને તે વધારે સુંદર લાગતો હોવો જોઈએ. સુએઝ નહેરની રચના હું સમજી શકતો નથી. તે અદ્દભુત છે એમાં શંકા નથી. જેણે તેની શોધ કરી હશે તેની પ્રતિભા કેવી જબરી હશે તેની હું કલ્પના કરી શકતો નથી. તેણે એ બધી રચના કેવી રીતે કરી હશે તેની મને ખબર પડતી નથી. તેણે કુદરત સાથે હરીફાઈ કરી છે એટલી વાત સાચી. બે સમુદ્રને જોડી આપવાની વાત કંઈ જેવીતેવી નથી. નહેરમાંથી એકી વખતે એક જ વહાણ પસાર થઈ શકે છે. તેને માટે વહાણ ચલાવવાની ભારે આવડત જોઈએ. નહેરમાં આગબોટ બહુ ધીમી ચાલે છે. આપણને તે ચાલે છે એવું વરતાતું નથી. નહેરનું પાણી તદ્દન મેલું છે. મને તેની ઊંડાઈનું માપ યાદ રહ્યું નથી. રામનાથ આગળ આજીની[૧]. છે તેટલી જ તેની પહોળાઈ છે. બંને બાજુ પર ફરતા માણસો જોઈ શકાય છેઃ નહેરની પાસેનો પ્રદેશ વેરાન છે. નહેરની માલકી ફ્રેંચ લોકોની છે. વહાણને દોરવાને સારુ ઇસ્માઇલિયાથી બીજો સુકાની આવે છે. નહેરમાંથી પસાર થતા દરેક વહાણ માટે ફ્રેંચ લોકો અમુક રકમ વસૂલ કરે છે. એ આમદની ઘણી મોટી થતી હોવી જોઈએ. વહાણ પરની વીજળીની બત્તી ઉપરાંત બંને બાજુ પર આશરે વીસ ફૂટ દૂર બીજા દીવાઓ દેખાય છે એ દીવાઓ જુદા જુદા રંગના હોય છે, વહાણને દીવાની આ બંને હાર વચ્ચેથી જવાનું હોય છે. વહાણને નહેરમાંથી પસાર થતાં આશરે ચોવીસ કલાક લાગે છે. ત્યાંના દૃશ્યનું વર્ણન કરવાનું મારા ગજા બહારનું છે. તમે જાઓ નહીં ત્યાં સુધી તમને તે જોવાથી આવતી મજાનો ખ્યાલ નહીં આવે. પોર્ટ સૈયદ નહેરનું બીજું નાકું છે. પોર્ટ

  1. ૧. રાજકોટ પાસેની નદી