આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
હિંદના શાકાહારીઓ

તેની કતલની જેમ માણસની નાજુકમાં નાજુક લાગણીઓ પર આઘાત પહોંચાડી શકતી નથી. સાથે સાથે અહીં જણાવવું જરૂરી છે કે ગાય હિંદુઓમાં પૂજ્ય મનાય છે અને કતલને માટે ગાયોને પરદેશ લઈ જવાને વહાણોમાં ચડાવાતી અટકાવવાને શરૂ કરવામાં આવેલું આંદોલન ઝપાટાબંધ આગળ વધતું જાય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૭–૨–૧૮૯૧

હિંદી શાકાહારીઓ જે ભાગોમાં રહે છે તે મુજબ તેમના આહારમાં ફેર હોય છે. જેમ કે બંગાળમાં ખોરાકમાં મુખ્ય અનાજ ચોખા છે જયારે મુંબઈ ઈલાકામાં ઘઉં છે.

સામાન્યપણે બધા હિંદીઓ અને તેમાંયે મોટી ઉંમરનાં માણસો અને તેમાં વળી ઊંચ વર્ણના હિંદુઓ દિવસમાં બે વખત ભોજન કરે છે અને તરસ લાગે ત્યારે તે બે સમયની વચ્ચેના ગાળામાં એકાદ બે પ્યાલા પાણી પીએ છે. પહેલું ભોજન તે લોકો સવારના દસ વાગ્યાના અરસામાં લે છે. તેને અંગ્રેજોના ડિનર સાથે સરખાવી શકાય. બીજું ભોજન સાંજે આઠના અરસામાં લે છે અને તેને અંગ્રેજી સપર સાથે સરખાવી શકાય કારણ કે તેને રાતનું ભોજન અથવા વાળુ કહે છે; જોકે એ સરખામણી નામ પૂરતી જ થાય કારણ કે હકીકતમાં વાળુ રીતસરનું ભોજન હોય છે. ઉપરના વર્ણન પરથી માલૂમ પડશે કે એ લોકો સવારમાં નાસ્તો લેતા નથી. હિંદીઓ સામાન્યપણે સવારના છ વાગ્યે ઊઠે છે, અને થોડા તો વળી ચાર કે પાંચ વાગ્યા જેટલા વહેલા ઊઠે છે એ જોતાં તેમને સવારના નાસ્તાની જરૂર રહેવી જોઈએ. તેઓ બપોરનું સામાન્ય ભોજન પણ લેતા નથી, કેટલાક વાચકોને બેશક નવાઈ થશે કે પહેલા ભોજન બાદ હિંદીઓ નવ કલાક સુધી કંઈ પણ ખાધા વગર કેવી રીતે ચલાવતા હશે! બે રીતે આ વાતનો ખુલાસો મળી શકે. એક તો આદત સ્વભાવ જેવી બની જાય છે. કેટલાકને ધર્મની આજ્ઞા હોય છે તેથી અને બીજા કેટલાકને રોજગારના રોકાણને લીધે અથવા રિવાજને લીધે એક દિવસમાં બે વખતથી વધારે વાર ભોજન ન કરવાની ફરજ પડે છે. એ ટેવનું બીજું કારણ એ કે હિંદની આબોહવા થોડા ભાગો બાદ કરતાં ઘણી ગરમ છે. અહીં ઇંગ્લંડમાં પણ અનુભવ થાય છે કે શિયાળામાં જેટલા ખોરાકની જરૂર રહે છે તેટલાની ઉનાળામાં રહેતી નથી. અંગ્રેજો જેમ દરેક વાની અલગ અલગ જમે છે તેમ હિંદીઓ જમતા નથી પણ ઘણી વાનીઓનું મિશ્રણ કરે છે. હિંદુઓમાંના કેટલાકને તો ધર્મની આજ્ઞા મુજબ પોતાને જમવાની બધીયે વાનીઓ એકઠી કરી દેવી પડે છે. વળી, ભોજનની એક એક વાનગી ઘણી સંભાળથી ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખીને રંધાય છે. હકીકતમાં એ લોકો સાદા બાફેલા શાકમાં માનતા નથી પણ તેમને તે હરેકમાં મરી, મરચાં, મીઠું, લવિંગ, તજ, રાઈ, અને એવા બીજા ઘણા મસાલા કે જે બધાંનાં અંગ્રેજી નામો ઔષધિઓની યાદીમાંથી લઈએ તે સિવાય મળે નહીં તે નાખવાને જોઈએ છે.

પહેલા ભોજનમાં સામાન્યપણે રોટલા અથવા કહો કે રોટલી હોય છે. એ રોટલી વિષે પાછળથી વધારે લખું છું. તે ઉપરાંત થોડું કઠોળ જેમ કે વાલ, વટાણા, ચણા વગેરે, ભેગાં અથવા છૂટાં રાંધેલાં બે કે ત્રણ શાક, તે પછી પાણીમાં રાંધેલા ચોખા એટલે કે ભાત અને