આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
કેટલાક હિંદી તહેવારો

લાંબી સફર ખેડીને પણ આવે છે. દીકરો ભણવાને બહારગામ ગયો હોય તોયે પોતાની નિશાળેથી આ તહેવારોમાં ઘરભેગો થાય છે અને આમ હંમેશ કુટુંબને એકઠા મળવાનો પ્રસંગ મળે છે. વળી, જેમને પરવડે તે સૌ નવાં કપડાંલત્તાં વસાવે છે. તવંગર વર્ગોમાં ખાસ આ પ્રસંગને માટે નવાં ઘરેણાં ઘડાવવામાં આવે છે. કુટુંબના જૂના કજિયા પતાવવામાં આવે છે. કંઈ નહીં તો તે માટે પૂરો પ્રયાસ અવશ્ય થાય છે. ઘરો સમરાવવામાં ને ધોળાવવામાં આવે છે, લાકડાની પેટીમાં બંધાઈને પુરાઈ રહેલા જૂના રાચરચીલાને બહાર કાઢી સાફ કરી પ્રસંગ પૂરતું ઓરડાઓ શણગારવાને કામમાં લેવામાં આવે છે. જૂનાં દેવાં હોય તો બને ત્યાં લગી પાછાં વાળવામાં આવે છે. દરેક જણ નવું ધાતુનું વાસણ કે એવું જ કંઈક રાચ બેસતા વરસને માટે ખરીદે એવી અપેક્ષા રહે છે. છૂટે હાથે દાન અપાય છે. પ્રાર્થનાપૂજા કરવાની અથવા મંદિરોએ દર્શને જવાની ઝાઝી પરવા ન રાખનાર લોકો આ પ્રસંગે બન્ને વાનાં ખસુસ કરે છે.

બીજાઓ સાથે વાતવાતમાં ટંટોફિસાદ અને ગાળાગાળી કરવાની ભૂંડી આદત ખાસ કરીને સમાજના નીચલા વર્ગેમાં ખૂબ ફેલાયેલી છે પણ તહેવારોમાં કોઈએ બીજા સાથે તેવું કરવાનું હોય નહીં ટૂંકમાં બધુંયે શાન્તિભર્યું ને આનંદભર્યું હોય છે જિંદગી બોજારૂપ ન રહેતાં પૂરી ઉલ્લાસભરી બને છે. આવા તહેવારોને જોકે કેટલાક લોકો વહેમના અવશેષ અને નકામી ધિંગામસ્તી કહીને વખોડી કાઢે છે છતાં તેમાંથી સારાં લાંબા ગાળા સુધી અસર કરનારાં ફળ નીપજયા વગર રહેતાં નથી એ બીના સહેજે જણાઈ આવે છે. વળી, સાચું જોતાં આવા તહેવારો માણસજાતને આશીર્વાદ જેવા છે કેમ કે મજૂરી કરીને જીવનારાં કરોડોની જિંદગીના કંટાળાજનક એકધારાપણામાં તે રાહતરૂપ બને છે.

દિવાળીના તહેવાર આખાયે હિંદુસ્તાનમાં ઊજવાય છે છતાં ઉજવણીની વિગતોમાં જુદા જુદા ભાગમાં ફેર હોય છે. વળી, હિંદુઓના સૌથી મોટા ઉત્સવનું આ બ્યાન અધૂરું ગણાય. અને કોઈએ એવું માની લેવાનું નથી કે આ તહેવારોનો ખોટો ઉપયોગ નથી થતો. બીજી બધી વસ્તુઓની માફક આ ઉત્સવની કાળી બાજુ હોવાનો સંભવ છે અને ઘણુંખરું હોય છે ખરી. પણ તેની વાત અહીં છેડવાની જરૂર નથી. એટલું ચોક્કસ છે કે તેનાં જે ઇષ્ટ પરિણામ આવે છે તે અનિષ્ટના કરતાં કયાંયે વધારે હોય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૪-૪-૧૮૯૧

દિવાળીના તહેવારોથી મહત્ત્વમાં બીજા નંબરના હોળીના છે અને તેમનો ઉલ્લેખ ૨૮મી માર્ચના धि वेजिटेरियनના અંકમાં થઈ ગયો છે.

વાચકને યાદ હશે કે હોળીના તહેવાર ઈસ્ટરના અરસામાં આવે છે. હિંદુ વિક્રમ સંવત્સરના ફાગણ મહિનાની પૂનમે હોળી થાય છે. આ બરાબર વસંત ઋતુનો સમય છે. ઝાડોને નવી કુંપળો ફૂટે છે. લોકો ગરમ કપડાં બાજુએ મૂકે છે, હલકાં ઝીણાં કપડાંની ફેશન શરૂ થાય છે. વસંતના આગમનની વાત મંદિરોમાંથી એકાદને જોતાં વળી વધારે સ્પષ્ટ થાય છે. મંદિરમાં (તમે હિંદુ હો તો જ તેમાં પ્રવેશ કરી શકો) પેસતાંવેંત તમને ફૂલોની મીઠી સુગંધ વગર બીજી કોઈ ગંધ આવતી નથી, ધાર્મિક વૃત્તિના લોકો મંદિરના ઓટલા પર બેસી ઠાકોરજીને