આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ગાંધીજીનો અક્ષરદેહ

માટે માળા ગૂંથે છે, ફૂલોમાં તમને ગુલાબ, ચંપેલી, મોગરો વગેરે જોવાનાં મળે છે. દર્શનને માટે બારણાં ખોલી નાખવામાં આવે છે ત્યારે પુરબહારમાં ઊડતા પાણીના ફુવારા તમારી નજરે પડે છે. તમને મંદ સુગંધી વાયુની મોજ પણ ભોગવવાની મળે છે. ઠાકોરજીએ ઝીણા કાપડનાં ખુલ્લા રંગનાં વસ્ત્રો સજ્યાં છે. તેમની આગળ ઢગલાબંધ ફૂલો છે અને તેમના ગળામાંના હારની વચમાંથી તેમનું દર્શન માંડ થઈ શકે છે. તેમને હિંડોળે ઝુલાવવામાં આવે છે અને હિંડોળાને પણ લીલાં પાનથી શણગારી તેના પર સુગંધી જળનો છંટકાવ કરવામાં આવેલો છે.

મંદિરની બહારનું દૃશ્ય નીતિપોષક નથી. હોળીની આગળના એક પખવાડિયા દરમિયાન અહીં અશ્લીલ ભાષા સિવાય બીજું કંઈ તમારે કાને પડશે નહીં. નાનાં ગામોમાં સ્ત્રીઓને ઘરબહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે અને નીકળે છે તો કાદવથી છંટાયા વગર રહેતી નથી. વળી, તેમને ઉદ્દેશીને અશ્લીલ સંબોધનો પણ થાય છે. પુરુષો તરફ પણ કોઈ પ્રકારનો ભેદ કર્યા વગર એવી જ જાતનું વર્તન રાખવામાં આવે છે. લોકો નાની નાની ટોળીઓ બાંધે છે. પછી એક ટોળી બીજીની સાથે અશ્લીલ ગાળો બોલવાની અને તેવાં જ અશ્લીલ ગીતો ગાવાની હરીફાઈએ ચડે છે. સ્ત્રીઓ સિવાય બધાં જ પુરુષો અને બાળકો સુધ્ધાં આ ધૃણાજનક ચડસાચડસીમાં ભાગ લે છે.

અરે, આ મોસમમાં અશ્લીલ શબ્દો વાપરવામાં સુરુચિનો ભંગ થયેલો પણ ગણાતો નથી ! જે સ્થળોમાં લોકો અજ્ઞાનમાં ડૂબેલા હોય છે ત્યાં તેઓ એકબીજા પર કાદવ વગેરેની ફેંકાફેંક પણ કરે છે. તમારાં કપડાં પર તેઓ અશ્લીલ શબ્દો ચીતરી વળે છે અને સફેદ કપડામાં બહાર નીકળો તો પાછા ઘેર આવતાં કાદવથી સારી પેઠે ખરડાયા વગર રહો જ નહીં. આ બધાની હોળીને દિવસે હદ થઈ જાય છે. તે દિવસે ઘરમાં હો કે બહાર, અશ્લીલ બોલો તમારા કાન પર અથડાયા જ કરે છે. મિત્રને મળવા ગયા હો તો જેવું સ્થળ હોય તે પ્રમાણે કાં તો મેલા પાણીથી અથવા સુગંધી જળથી ખાસા તરબોળ થયા વગર રહેવાના નહીં.

સંધ્યાકાળે લાકડાંનો અથવા છાણાંનો મોટો ઢગ રચી તેને સળગાવવામાં આવે છે. આ ઢગ ઘણી વાર વીસ ફૂટ કે તેથીયે વધારે ઊંચો હોય છે અને લાકડાંના ટોલા એવા જાડા હોય છે કે સાત આઠ દિવસ સુધી ઓલવાતા નથી. બીજે દિવસે હોળીના દેવતા પર લોકો પાણી ગરમ કરી તેનાથી નહાય છે.

અત્યાર સુધી હોળીના તહેવારનો કેવો દુરુપયોગ થાય છે તેની વાતો મેં કરી. એટલું જણાવતાં રાહતનો અનુભવ થાય છે કે કેળવણી તેમ જ સારા સંસ્કારની પ્રગતિની સાથે આવાં દૃશ્યો ધીમે ધીમે પણ ચોક્કસ નાબૂદ થતાં જાય છે. પણ તવંગર અને સુધરેલા લોકો આ તહેવારોનો બહુ શિષ્ટ ઉપયોગ કરે છે. કાદવને બદલે તે લોકો રંગીન અને સુગંધી જળ વાપરે છે. બાલદીઓ ભરીને કોઈના પર પાણી ઢોળવાને બદલે અહીં માત્ર નામનો છંટકાવ કરી સંતોષ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘણુંખરું કેસરિયા રંગનું પાણી વપરાય છે. કેસૂડાનાં સૂકાં ફૂલ, જે કેસરિયા રંગના હોય છે તેમને પાણીમાં ઉકાળવામાં આવે છે. જ્યાં લોકોને પરવડે ત્યાં તેઓ ગુલાબજળ પણ વાપરે છે. મિત્રો ને સગાંવહાલાં એકઠાં મળી એકબીજાને જમાડે છે અને એ રીતે વસંતનો આનંદ માણે છે. દિવાળીના તહેવારોની ઘણે મોટે ભાગે અપવિત્ર હોળીના તહેવારો સાથે સરખામણી કરતાં ઘણી બાબતોમાં મજાનો વિરોધ જોવાનો મળે છે. દિવાળીના તહેવારો ચોમાસાની મોસમ પૂરી થતાં તરત જ આવે છે. અને ચોમાસું