આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
હિંદના ખોરાક

ચોખા વગેરે ધાન્યની તેને મનાઈ છે પણ દૂધ ને માખણ તે ફાવે તેટલાં ઉપયોગમાં લઈ શકે છે; ઊલટું, અહીં શાકાહારીઓમાંના કેટલાક દૂધ અને માખણનો ત્યાગ કરે છે, કેટલાક રાંધવાનું માંડી વાળે છે તો બીજા કેટલાક ફળ અને મગફળી ને બદામ વગેરે જેવા કાછલિયાળા મેવા પર ગુજારો કરવાની કોશિશ કરે છે.

હવે હું અમારા જુદા જુદા ખોરાકના વર્ણન પર આવું. મારે કહી દેવું જોઈએ કે માંસના બનેલા ખોરાકની વાત હું બિલકુલ છેડવાનો નથી કેમ કે એ બધી વાનીઓ વપરાય છે ત્યારેયે આહારની મુખ્ય વસ્તુ હોતી નથી. હિંદુસ્તાન મુખ્યત્વે ખેતીવાડીનો મુલક છે અને ઘણો વિશાળ મુલક છે તેથી તેની પેદાશની ચીજો અનેક અને ભાતભાતની છે, હિંદુસ્તાનમાં બ્રિટિશ અમલનો પાયો છેક ઈસવી સન ૧૭૪૬ની સાલમાં નંખાયો અને અંગ્રેજ લોકોને તેનો પરિચય ૧૭૪૬ની સાલથી કેટલાયે વખત આગળનો છે છતાં ઇંગ્લંડમાં હિંદુસ્તાનના ખોરાક વિષે નહીં જેવી જ માહિતી છે એ બીના દિલગીર થવા જેવી છે. આનું કારણ સમજવામાં બહુ ઊંડા ઊતરવું પડે એવું નથી. હિંદમાં જનારા લગભગ બધા અંગ્રેજો પોતાની અસલ રહેણીકરણીને ચુસ્તપણે વળગી રહે છે. ઇંગ્લંડમાં પોતાને જે ચીજો મળતી હતી તે બધી હિંદમાં મેળવી વાપરવાનો એટલું જ નહીં, તેમને પોતાની અસલ પદ્ધતિથી રંધાવવાનો પણ તેમનો આગ્રહ હોય છે. આ બધું કેમ અને શાથી બને છે તેની ચર્ચા કરવાનું અત્યારે મારું કામ નથી. કંઈ નહીં તો કુતૂહલના માર્યા પણ તેઓ લોકોની રહેણીકરણીની ટેવો જાણવાજોવાનો પ્રયાસ કર્યા વગર ન રહે એવું સહેજે લાગે, પણ તેમણે એવો કશો જ પ્રયાસ કર્યો નથી અને તેમની જક્કી ઉપેક્ષાને પરિણામે ખોરાકના સવાલનો અભ્યાસ કરવાની સારામાં સારી કેટલીયે તક ઘણાખરા એંગ્લોઇંડિયનો એટલે કે હિંદમાં વસતા અંગ્રેજોને જતી કરતા આપણે જોઈએ છીએ, પણ ખોરાકની મૂળ વાત પર પાછા વળીએ; હિંદમાં એવાં ઘણાં ધાન્ય પેદા થાય છે જેને વિષે અહીં બિલકુલ કશી જાણ નથી.

ધઉં જોકે અલબત્ત અહીંની માફક ત્યાં પણ સૌથી મહત્ત્વનું અનાજ છે. પછી બાજરી છે (જેને એંગ્લોઇંડિયનો મિલેટ કહીને ઓળખાવે છે), જુવાર છે, ડાંગર છે અને બીજાં છે. આ બધાંને હું રોટીધાન્ય કહું કેમ કે તેમનો મુખ્ય ઉપયોગ રોટી ને રોટલા બનાવવામાં થાય છે. ઘઉંનો વપરાશ અલબત્ત ઘણો છે પણ તે પ્રમાણમાં મોંઘા હોવાથી ગરીબ વર્ગોમાં તેને બદલે બાજરી અને જુવાર વપરાય છે. આ સ્થિતિ દક્ષિણના અને ઉત્તરના પ્રાંતોમાં ઘણે મોટે ભાગે છે. દક્ષિણના પ્રાંતોની વાત કરતાં સર ડબલ્યુ ડબલ્યુ. હંટર પોતાના હિંદના ઇતિહાસમાં કહે છે, "સામાન્ય લોકોના ખોરાકમાં મોટે ભાગે જુવાર, બાજરી અને રાગી જેવાં હલકાં અનાજ આવે છે." ઉત્તરને વિષે તે કહે છે, "છેલ્લાં બે (એટલે કે જુવાર અને બાજરી) આમજનતાનો ખોરાક છે કેમ કે ડાંગર પીતની જમીનમાં થતી હોઈ તવંગર લોકોમાં વપરાય છે." જુવાર જેમણે ચાખી ન હોય એવાં માણસો ઘણાં જોવાનાં મળે છે. જુવાર ગરીબ લોકોનો ખોરાક હોવાથી કેમ જાણે ન હોય પણ તેને માટે પૂજ્યભાવ રાખવામાં આવે છે. વિદાય વખતે છૂટા પડવાના નમસ્કારમાં હિંદમાં ગરીબ લોકો એકબીજાને "જુવાર કહે છે જેનો વિસ્તાર કરી તરજુમો કરીએ તો મારી સમજ મુજબ "તમને કદી જુવારની ખોટ ન પડજો," [૧] એવો અર્થ


  1. ૧.અહીં ગાંધીજીએ એક અનાજને માટે વપરાતો શબ્દ 'જુવાર' અને હિંદની ભાષાઓમાં નમસ્કારને માટે વપરાતો શબ્દ “જુહાર” એ બન્નેનો ગોટાળો કર્યો લાગે છે.