આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ગાંધીજીનો અક્ષરદેહ

થાય. ડાંગર એટલે કે ચોખાનો પણ ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં ઉપયોગ થાય છે. બંગાળીઓ ઘઉંના કરતાં ચોખા વધારે વાપરે છે. બીજા ભાગોમાં રોટલા રોટલી બનાવવામાં ચોખા વપરાતા હશે તોયે જવલ્લે જ વપરાય છે. એંગ્લોઇંડિયનો જેને ગ્રામ કહીને ઓળખાવે છે તે ચણાનો પણ એવો જ ઉપયોગ કાં તો ઘઉંના લોટ સાથે ભેળવીને અગર તે વગર થાય છે. ચણા સ્વાદમાં તેમ જ દેખાવમાં પીઝ એટલે કે વટાણાને ઘણા મળતા આવે છે. આ પરથી મારે જુદી જુદી જાતનાં કઠોળ જે દાળ બનાવવામાં વપરાય છે તેની વાત પર આવવાનું થાય છે. દાળ બનાવવાને કામમાં આવતાં મુખ્ય કઠોળ ચણા, વટાણા, લાંગ, મસૂર, વાલ, તુવર, મગ, મઠ ને અડદ છે. એ બધાંમાંથી હું માનું છું કે તુવર દાળ માટેના વપરાશમાં અને લોકપ્રિયતામાં પહેલે નંબરે છે. આ બંને પ્રકારના ખોરાક સૂકવ્યા પછી ઉપયોગમાં લેવાય છે. હવે હું લીલાં શાકભાજીની વાત પર આવું. બધાં લીલાં શાકનાં નામ તમારી આગળ ગણાવી જવાનો અર્થ નથી. તે એટલાં બધાં છે કે તેમાંનાં ઘણાં હું પણ જાણતો નથી. હિંદુસ્તાનની જમીન એવી સમૃદ્ધ છે કે તમને ફાવે તે લીલાં શાક તમે તેમાં ઉગાડી શકો તેથી આપણે ખુશીથી કહી શકીએ કે ખેતીનું બરાબર જ્ઞાન થાય તો હિંદની જમીનમાંથી પૃથ્વી પર થતું કોઈ પણ શાક પેદા કરી શકાય.

હવે રહી ફળો અને કાછલિયાળાં ફળોની વાત. મને જણાવતાં દિલગીરી થાય છે કે ફળોની ખૂબી અથવા કિંમત હિંદુસ્તાનમાં હજી સમજાઈ નથી. ફળનો ઉપયોગ હિંદમાં ખૂબ થાય છે એ સાચું પણ બીજાં કોઈ કારણસર નહીં, શોખને ખાતર થાય છે. ફળો તંદુરસ્તીની દૃષ્ટિથી વપરાય છે તેના કરતાં તેમના રૂચિકર સ્વાદને ખાતર વધારે વપરાય છે. તેથી આપણને હિંદમાં આરોગ્યની દૃષ્ટિથી કીમતી ગણાય એવાં નારંગી, મોસંબી, સફરજન વગેરે ફળો ભરપટ્ટે મળતાં નથી; અને તેથી તે બધાં માત્ર તવંગર લોકોને મળી શકે છે. પણ ત્યાં મોસમી ફળો અને સૂકાં ફળ જોઈએ તેટલાં મળે છે. બીજાં બધાં સ્થળોની માફક હિંદમાં ઉનાળો મોસમી ફળોને માટે સારામાં સારી ઋતુ છે. એમાં કેરી સૌથી મહત્ત્વનું ફળ છે. મારા ખાવામાં હજી એથી વધારે સ્વાદિષ્ટ ફળ આવ્યું નથી. કેટલાક લોકો અનનસને પહેલો નંબર આપે છે; પણ કેરી જેણે જેણે ચાખી છે તેમાંના ઘણા મોટા ભાગના લોકો તેને વધારે પસંદ કરે છે. તેની મોસમ ત્રણ મહિનાની હોય છે, તે દરમિયાન તે ઘણી સસ્તી મળે છે અને તેથી ગરીબ ને તવંગર બને તેની મજા લઈ શકે છે. બેશક, મોસમમાં મળતી હોય ત્યારે મેં એવું સાંભળ્યું છે કે કેટલાક લોકો તો એકલી કેરી પર ગુજારો કરે છે. પણ કમનસીબે કેરીનું ફળ લાંબો વખત સારી સ્થિતિમાં ટકતું નથી, ઊતરી જાય છે. તે સ્વાદમાં પીચને મળતું આવે છે અને ગોટલાવાળું છે. ઘણી વાર કેરી નાના તરબૂચ અથવા નાની ટેટી જેટલી મોટી હોય છે. અહીં આપણે તરબૂચ અને ખરબૂચની જાતનાં ફળની વાત પર આવીએ. તે બધાં ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં મળે છે તેના કરતાં ત્યાં હિંદમાં ઘણાં વધારે સારાં મળે છે. હવે જોકે ફળોનાં વધારે નામો ગણાવી મારે તમને કંટાળો નથી આપવો; એટલું જણાવું તો બસ છે કે હિંદમાં ઘણી જાતનાં મોસમી ફળો થાય છે પણ તે લાંબો વખત ટકતાં નથી અને અમુક મુદ્દતમાં ઊતરી જાય છે. એ બધાં ફળ ગરીબ લોકોને પણ મળી શકે છે; દિલગીરીની વાત એટલી જ છે કે તે લોકો કદી તેમનું એકલાનું આખું ભોજન બનાવતા નથી. સામાન્યપણે અમારે ત્યાં એવું મનાય છે કે ફળના આહારથી તાવ આવે છે અને મરડો વગેરે થાય છે. ઉનાળામાં અમારે ત્યાં હંમેશ કૉલેરા ફાટી નીકળવાનો ડર રહે છે ત્યારે ઘણા દાખલાઓમાં