આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ગાંધીજીનો અક્ષરદેહ

મિલકત એ પૂર્વનો સિદ્ધાંત છે.” એટલે મારી પોતાની કંઈ મિલકત છે નહીં ને હતી નહીં. બધું મારા ભાઈના તાબામાં હતું અને અમે બધાં ભેગાં રહેતાં હતાં.

પૈસાની વાત પર પાછા વળીએ. મારા પિતા જે થોડી રકમ મારે માટે બચાવી મૂકી ગયા હતા તે મારા ભાઈના હાથમાં હતી. તેમની મંજૂરી મળે તો જ તે છૂટી થાય ને મને મળે. વળી, એટલી રકમ પૂરતી નહોતી તેથી મેં દરખાસ્ત મૂકી કે આપણી જે મૂડી છે તે બધી મારા ભણતરને માટે વાપરીએ. હવે હું તમને પૂછું છું, અહીં કોઈ ભાઈ એવું કરે ખરો કે? હિંદમાં પણ એવા ભાઈઓ ઘણા ઓછા છે. તેમને કહેવામાં આવેલું કે પશ્ચિમના ખ્યાલો પચાવીને એ ભાઈ તરીકે નાલાયક બની જશે અને વિલાયતથી જીવતો હિંદ પાછો આવશે તો જ તમારા પૈસા પાછા મળશે. અને એના પાછા આવવાનો ભરોસો શો? પણ મારા ભાઈએ ડહાપણભરેલી અને સદ્‍બુદ્ધિથી આ૫વામાં આવેલી આ બધી ચેતવણી કાને ધરી નહીં. મારી દરખાસ્તને મંજૂરી આપવામાં તેમણે એક, માત્ર એક શરત મૂકી કે મારે મારી મા અને મારા કાકાની પરવાનગી મેળવવી. બીજા ઘણા લોકોને મારા ભાઈ જેવો ભાઈ મળો ! પછી મને સોંપવામાં આવેલા પરવાનગી મેળવવાના કામમાં હું મંડ્યો અને તમને જણાવું કે કામ કઠણ, ડુંગર ચડવા જેટલું કઠણ હતું. સારે નસીબે હું મારી માનો લાડકો દીકરો હતો. તેને મારા પર ઘણી શ્રદ્ધા એટલે તેના મનમાં જે કંઈ વહેમ હતો તે મેં કાઢયો. પણ ત્રણ વરસ છૂટા પડવાની વાતમાં તેની પાસે મારે હા કેવી રીતે પડાવવી ? છતાં ઇંગ્લંડ જવાના ફાયદાની અતિશયોક્તિ કરી મારી વિનંતીની બાબતમાં કમનની કેમ ન હોય પણ તેની મંજૂરી મેં મેળવી. હવે રહ્યા કાકા તે કાશી અને બીજાં પવિત્ર સ્થાનોની યાત્રાએ જવાને નીકળવાની તૈયારીમાં હતા. ત્રણ દિવસની એકધારી સમજાવટથી અને તેટલો જ વખત તેમની સાથે દલીલો કરી કરીને મેં તેમની પાસેથી નીચે મુજબનો જવાબ કઢાવ્યો.

“હું તો આ જાત્રાએ ચાલ્યો, તું કહે છે તે વાત ખરી હશે પણ તારી અધર્મી દરખાસ્તની હું રાજીખુશીથી કેવી રીતે હા પાડું? હું તો એટલું કહું કે તું જાય તેમાં તારી માને વાંધો ન હોય તો મને તમારી વાતમાં માથું મારવાનો અધિકાર નથી.”

આનો અર્થ સહેજે 'હા' પાડી એવો કરવામાં આવ્યો. પણ મારે એટલાં બે જ જણને થોડાં રાજી રાખવાનાં હતાં? હિંદુસ્તાનમાં ગમે તેટલું દૂરનું સગું હોય પણ તેને તમારા કામમાં માથું મારવાનો પોતાનો હક છે એવું લાગે છે. પણ આ બે જણની પાસેથી મેં મંજૂરી કઢાવી (કેમ કે એમાં કઢાવવાપણું જ હતું, બીજું કશું નહોતું) એટલે પૈસાને અંગેની મુશ્કેલી લગભગ ટળી ગઈ.

બીજી બાબતને અંગેની મુશ્કેલીની થોડી વાત ઉપર આવી ગઈ છે. તમને સાંભળીને કદાચ નવાઈ થશે કે હું પરણેલો છું (મારું લગ્ન મારી બાર વરસની ઉંમરે થયેલું), એટલે મારી પત્નીનાં માબાપને, મારાં સાસુસસરાને લાગે કે કંઈ નહીં તો અમારી દીકરીને ખાતર આ વાતમાં માથું મારવાનો અમારો હક છે તો તેમાં તેમનો ઝાઝો વાંક કાઢી ન શકાય. તેની સંભાળ કોણ રાખશે? અલબત્ત, તેની સંભાળ રાખવાનું કામ મારા ભાઈનું હતું. બિચારા ભાઈ! તે વખતના મારા ખ્યાલો મુજબ તેમને લાગતા વાજબી ડરની વાત પર અને તેમની તેવી જ ફરિયાદોની વાત પર મેં ઝાઝું ધ્યાન આપ્યું ન હોત, પણ તે લોકોની ઈતરાજીનાં ફળ ભોગવવાનાં મારી માને અને ભાઈને આવત. રાત પછી રાત મારા સસરા પાસે બેસી તેમના વાંધાવચકા સાંભળી તે બધાનો તેમને સંતોષ થાય એવો જવાબ આપવાનું કામ સહેલું