આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ગાંધીજીનો અક્ષરદેહ


ઇંગ્લંડમાં ચાલતા જમીનની મિલકતના કાયદાઓના સંગ્રહના ગ્રંથના તેઓ કર્તા છે. અને તે ગ્રંથ બૅરિસ્ટર થવા માટેની છેવટની પરીક્ષા માટે મુકરર થયેલાં પુસ્તકોમાંનો એક છે.

હું છું સાહેબ, આપનો


આજ્ઞાંકિત સેવક,


મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]

महात्मा, ભાગ ૧; અસલની છબી પરથી


૧૪. હિંદ ભણી વતનને રસ્તે

ઇંગ્લંડના ત્રણ વરસના વસવાટ બાદ ૧૮૯૧ની સાલના જૂન માસની ૧૨મી તારીખે હું ત્યાંથી મુંબઈ જવાને નીકળ્યો. દિવસ ઘણો રળિયામણો હતો; સૂર્ય પુરબહારમાં પ્રકાશતો હતો; ઠંડા વાયરાથી બચવાને ઓવરકોટ પહેરવાની જરૂર નહોતી. બરાબર ૧૧–૪પને ટકોરે મુસાફરોને લઈને એક એકસ્પ્રેસ રેલગાડી લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશનથી બંદરને ધક્કે જવાને નીકળી.

પી. ઍન્ડ ઓ. કંપનીની ओशियाना સ્ટીમરમાં પગ મૂકયો ત્યાં સુધી હું હિંદુસ્તાન પાછો જાઉં છું એ વાત હું મારા મનને મનાવી શકતો નહોતો. લંડન અને તેની આજુબાજુના વાતાવરણની સાથે મારે એવી ગાંઠ બંધાઈ ગઈ હતી ! અને કોને ન બંધાય? પોતાની કેળવણીની સંસ્થાઓ, પોતાના સાર્વજનિક ચિત્રસંગ્રહો, સંગ્રહસ્થાનો, નાટકઘરો, પોતાનો બહોળો વેપાર, પોતાના સાર્વજનિક બાગબગીચાઓ અને શાકાહારી રેસ્ટોરાંઓ એ બધાંને કારણે વિદ્યાર્થી, પ્રવાસી, વેપારી અને વિરોધીઓ જેને 'ધૂની' કહીને ઓળખાવે એવા શાકાહારીને સારુ લંડન બહુ મજાની અને લાયક જગ્યા છે. તેથી વહાલા લંડનને છોડતાં મને ઊંંડી ગમગીની થયા વગર ન રહી. સાથે હિંદમાં મારા મિત્રો અને મારાં સગાંવહાલાંને આટલે લાંબે ગાળે મળવાનું થશે એ વિચારથી હું ખુશીમાં પણ હતો.

ओशियाना ઑસ્ટ્રેલિયન સ્ટીમર છે અને કંપનીની મોટામાં મોટીમાંની એક છે. તેનું વજન ૬,૧૮૮ ટન છે અને તેનું અશ્વબળ ૧,૨૦૦નું છે. આ વિશાળ તરતા બેટ પર અમે પગ મૂકયો ત્યાં અમને મજાની સ્કૂર્તિ આપનારી ચા આપવામાં આવી અને અમે બધાએ (મુસાફરોએ તેમ જ વળાવવા આવેલા મિત્રોએ) તે પીધી. અહીં મારે જણાવવાને ચૂકવું ન જોઈએ કે આ ચા અમને કંઈ પણ દામ લીધા વિના આપવામાં આવેલી. અમે બધા જે મોજથી ચા લેતા હતા તે જોઈને કોઈ અજાણ્યાએ અમને બધાયને મુસાફરો માની લીધા હોત (અને તે બધા મળીને સંખ્યા પણ સારી હતી); પણ મુસાફરોનાં મિત્રોને વહાણ હવે લંગર ઉઠાવે છે એવી ખબર આપવાને ઘંટ વાગવો શરૂ થયો તેની સાથે તે સંખ્યા ઠીક ઠીક ઘટી ગઈ. વહાણ બંદર છોડીને નીકળ્યું ત્યારે સારા પ્રમાણમાં આનંદના પોકારો સંભળાયા અને વિદાયની નિશાનીમાં રૂમાલ ફરકતા જોવામાં આવ્યા.