આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ગાંધીજીનો અક્ષરદેહ

'અર્ધજંગલી ઢબે જીવન જીવનારા પરોપજીવીઓ' વિષેનો તમારો અગ્રલેખ સખત શબ્દોની હરીફાઈમાં મિ. પિલ્લેના પત્રની સામે મેદાન મારી જાય કે શું એવું મને લાગે છે. પણ શૈલીની બાબતમાં રુચિ ભિન્ન ભિન્ન હોય છે અને કોઈનીયે લખાણની શૈલી વિષે તુલના કરવાનો મને અધિકાર નથી.

પણ બિચારા એશિયાઈ વેપારીઓ પર આ બધો રોષ શા સારુ ઠલવાય છે? કૉલોનીનું અક્ષરશ: સત્યાનાશ વળી જવાનું જોખમ કેવી રીતે ઊભું થયું છે તે સમજવું મુશ્કેલ છે. ચાલુ માસની પંદરમી તારીખના તમારા અગ્રલેખ પરથી મને જે કારણો સમજાયાં છે તેનો સાર નીચેના શબ્દોમાં દર્શાવી શકાય: "એક એશિયાઈ વેપારીએ દેવાળું કાઢયું છે અને એક પાઉંડની પાંચ પેની ચૂકવી છે. એશિયાઈ વેપારીનો આ સારો નમૂનો છે. તેણે બજારમાંથી નાના યુરોપિયન વેપારીને હાંકી કાઢયો છે."

હવે, માની લો કે મોટા ભાગના એશિયાઈ વેપારી દેવાળું કાઢે છે અને પોતાના દેણદારોને દેવા પેટે ઝાઝું ચૂકવતા નથી (જે વાત બિલકુલ સાચી નથી) તો એ શું તેમને કૉલોનીમાંથી અને દક્ષિણ આફ્રિકામાંથી હાંકી કાઢવાને વાજબી કારણ છે કે? ઊલટું, એ બીના માણસ પોતાના લેણદારોને પાયમાલ કરી શકે તે રીતે તેને પોતાનું દેવું ચૂકવવાને અશક્ત એટલે કે દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારા કાયદામાં કંઈક ખામી હોવી જોઈએ એવું બતાવતી નથી કે? એવો વહેવાર કરવાને માટે કાયદાથી કંઈક છૂટ મળી જતી હોય તો લોકો તેનો લાભ લીધા વગર રહે નહીં. અને યુરોપિયનો શું માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારી અદાલતનું રક્ષણ નથી શોધતા કે? અલબત્ત, તમે પણ ક્યાં સીધા છો એવી દલીલ કરીને હું હિંદી વેપારીઓનો બચાવ કરવા માગતો નથી. હિંદીઓ આવા વહેવારનો આશ્રય લે છે તેથી મને ખરેખર દિલગીરી થાય છે. એક જમાનામાં જયાં માનઆબરૂનો ખ્યાલ એટલો ઊંચો હતો કે વેપારમાં અપ્રામાણિક વહેવારમાં કોઈ પોતાનું નામ પણ આવવા ન દે, તેમના દેશને એથી નીચું જોવાનું થાય છે. હિંદી વેપારીઓ માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારા કાયદાનો લાભ લે છે એટલી જ હકીકતના જોર પર તેમને હાંકી કાઢવાની દલીલ ઊભી થતી નથી એવું જોકે મને ચોક્કસ લાગે છે. કાયદો એકલો જ નહીં, જથ્થાબંધ માલનો ધંધો કરનારા વેપારીઓ પણ જરા વધારે સાવધ રહે તો આવા દાખલાઓ વારંવાર બનતા અટકાવી શકે. અને બીજું, ખુદ યુરોપિયન વેપારીઓ અા વેપારીઓને શાખ પર માલ ધીરે છે તે જ હકીકત પણ શું એવું નથી બતાવતી કે તે બધા સરવાળે તમે ચીતર્યા છે તેવા ભૂંડા તો નથી?

નાનો યુરોપિયન વેપારી બજારમાંથી ધકેલાઈ ગયો હોય તો તે માટેનો વાંકનો ટોપલો શું હિંદી વેપારીને માથે ઢોળવાનો છે? એથી તો ઊલટું એવું લાગે છે કે હિંદી વેપારી પોતાના ધંધામાં વધારે કાબેલ છે અને તેની કુશળતા એ જ તેને અહીંથી હાંકી કાઢવાનું કારણ છે ! હવે હું તમને પૂછું છું સાહેબ, કે આ ન્યાય છે? એક તંત્રી પોતાના છાપાનું સંપાદન પોતાના હરીફના કરતાં વધારે આવડતથી કરે અને પરિણામે હરીફને એ ક્ષેત્ર છોડી દેવું પડે તો તમે શું તે સફળ તંત્રીને કહેવા જશો ખરા કે તમે વધારે આવડતવાળા છો માટે તમારે તમારા માત થયેલા હરીફને તમારી જગ્યા આપી દેવી જોઈએ? ઊલટું, બીજા લોકો પણ પોતાની આવડત કેળવી ઊંચા આવવાની કોશિશ કરતા થાય તેટલા ખાતર વધારે આવડત પ્રોત્સાહન આપવાનું ખાસ કારણ નથી શું? નરવી હરીફાઈને ગૂંગળાવી મારવી એ સાચી નીતિ છે કે? ઓછે ખરચે કેમ વેપાર ખેડવો, સાદાઈથી કેમ જીવવું એ બધું હિંદી વેપારી પાસેથી પોતાના મોભાને અણછાજતું