આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
ઇગ્લંડમાં રહેતા હિંદીઓને


તેની કુદરતને જેની સૂગ છે અને જે મેળવવામાં નાહક લોહી રેડાય છે તેવો કોઈ પણ આહાર મેમાં ન મૂકીએ એટલું પૂરતું નથી શું? પણ એ દિશામાંના મારા અભ્યાસની હું માત્ર શરૂ અાત કરું છું ત્યારે આવી વાતો આટલેથી જ પૂરી કરું. અત્યારે તો એ અખતરો હું ચલાવતો હતો ત્યારે મારા મનમાં જે વિચારો રમતા હતા તે બીજાં કોઈ સમાન હેતુને કારણે સ્વજન જેવાં ભાઈ અગર બહેનને આમાં પોતાના વિચારનો પડઘો ઊઠતો સંભળાય તેટલા ખાતર પ્રગટ કરું છું. પ્રાણપોષક આહારનો અખતરો કરવાને હું તેની અત્યંત સરળતા જોઈને પ્રેરાયો હતો. રાંધવાની કડાકૂટમાંથી હું છૂટીશ, મારે જયાં જવાનું થાય ત્યાં મારો ખોરાક સાથે લઈને ફરવાનું બની શકશે, વીશીની માલિક બાઈ અને મને ખોરાક પૂરો પાડનાર સૌની અસ્વચ્છ આદતો મારે ચલાવી લેવાની રહેશે નહીં, દક્ષિણ આફ્રિકા જેવા મુલકમાં મુસાફરી કરતી વખતે પ્રાણપોષક ખોરાક બધી રીતે આદર્શ આહાર છે, એવાં તેનાં આકર્ષણો એટલાં બધાં હતાં કે હું તેમને વશ થઈ ગયો. પણ જે એક સ્વાર્થી હેતુ છે અને જે સર્વથી ચડિયાતા હેતુની સરખામણીમાં કેટલોયે અધૂરો છે તેને પાર પાડવામાં વખતની અને મહેનતની કેવી બરબાદી! આવી બધી વાતોને સારુ જિંદગી બહુ ટૂંકી છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૪-૩-૧૮૯૪


૨૨. ઇંગ્લેંડમાં રહેતા હિંદીઓને

નીચે આપવામાં આવેલો પત્ર મિ. એમ. કે. ગાંધીએ ઇંગ્લંડમાં રહેતા હિંદીઓમાં ફેરવ્યો છે અને ઘણું મોટું અંતર તેમને આપણાથી દૂર રાખતું હોવા છતાં ખુદ આપણી વચમાં તેમણે પ્રત્યક્ષ કાર્ય હજી પણ કેવું ચાલુ રાખ્યું છે તે બતાવવાને તે અમે અહીં ઉતાર્યો છે. અને છતાં આપણા વિરોધીઓ કહે છે કે શાકાહારી હિંદીઓમાં “પ્રામાણિક જૉન બુલ” [પ્રામાણિક બ્રિટિશ પ્રજા]નાં સંતાનો જેવી કામ પાર પાડવાની ચીવટ નથી ! – તંત્રી वेजि.

[પ્રિટોરિયા]


શ્રી તંત્રી

धि वेजिटेरियन

મારા વહાલા ભાઈ,

તમે શાકાહારી હો તો મને લાગે છે કે લંડને વેજિટેરિયન સોસાયટી[લંડનની શાકાહારી મંડળી]માં જોડાવાની અને હજી સુધી ન ભર્યું હોય તો લવાજમ ભરી धि वेजिटेरियनના ઘરાક બનવાની તમારી ફરજ છે.

તમારી આ ફરજ છે કેમ કે

(૧) તેમ કરવાથી તમે જે સિદ્ધાંતને માનો છો તેને મદદ થશે અને પ્રોત્સાહન મળશે.
(૨) જે મુલકમાં શાકાહારીઓની સંખ્યા બહુ નાની છે તેમાં તમારું કાર્ય એક શાકાહારી અને બીજા શાકાહારી વચ્ચે સહાનુભૂતિની જે ગાંઠ હોવી જોઈએ તે દર્શાવનારું નીવડશે.
(૩) શાકાહારના પ્રચાર માટેની પ્રવૃત્તિ પરોક્ષ રીતે હિંદને રાજકીય દૃષ્ટિથી પણ મદદરૂપ થશે કેમ કે અંગ્રેજ શાકાહારીઓ હિંદીઓની આકાંક્ષાઓ સાથે સહજ તત્પરતાથી સહાનુભૂતિમાં રહેશે (આ મારો અંગત અનુભવ છે).