આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
નાતાલ ઇન્ડિયન કૅાંગ્રેસ
મેમ્બર થવાની શરત

હરકોઈ માણસ જે કૉંગ્રેસનું કામ પસંદ કરતો હોય તે સબસ્ક્રિપ્શન આપીને મેમ્બરના ફારમમાં સહી કરીને મેમ્બર થઈ શકે. મહિનાનું ઓછામાં ઓછું સબસ્ક્રિપ્શન પ/પાંચ શિલિંગ છે ને વરસની ઓછામાં ઓછી ફી પા. ૩/ત્રણ પાઉન્ડ છે.

ના. ઈ. કૉં.ના હેતુ

૧. કૉલોનીમાં રહેનારા યુરોપિયન અને ઇન્ડિયન વચ્ચે સલૂકાઈ કરવી અને સલાહસંપ વધારવો.

૨. છાપામાં લખી, ચોપાનિયાં બહાર પાડી અને ભાષણો કરીને હિંદુસ્તાન અને ત્યાંના લોકોની ખબર ફેલાવવી.

૩. હિંદુસ્તાનીઓ અને તેમાં મુખ્યત્વે કરીને કૉલોનીમાં જન્મેલાઓને હિંદુસ્તાનનો ઇતિહાસ શીખવવો અને હિંદુસ્તાનની બાબતોનો અભ્યાસ કરવાને તેઓને લલચાવવા.

૪. હિંદુસ્તાનીઓ પર શું દુઃખો છે તેની તપાસ કરવી અને તે દૂર કરવાને બધા ઘટતા ઇલાજો લેવા.

૫. ગિરમીટમાં આવેલા ઇન્ડિયનોની સ્થિતિની તપાસ કરવી અને તેઓને થતી ખાસ ઈજાઓ દૂર કરવામાં તેઓને મદદ કરવી.

૬. બધી ઘટતી રીતે ગરીબ અને લાચારને મદદ કરવી.

૭. અને સાધારણ રીતે હિંદુસ્તાનીઓની નીતિ, સંસારી સ્થિતિ, બુદ્ધિ અને રાજપ્રકરણની સ્થિતિમાં સુધારો થાય એવાં બધાં કામો કરવાં.

કમિટીએ સુધારેલા કે રદ કરેલા ને કૉંગ્રેસે પસાર કરેલા ધારા

૧. મીટિંગો ભરવાને સારુ વધારેમાં વધારે મહિનાના ૧૦ પા[ઉન્ડ]ના ભાડાથી એક હૉલ ભાડે લેવાની સત્તા છે.

૨. કમિટી ઓછામાં ઓછી એક વાર મહિનામાં મળે.

૩. કૉંગ્રેસની જનરલ મીટિંગ વરસમાં એક વાર ઓછામાં ઓછી મળે તે ખસૂસ ડરબનમાં જ નહીં.

૪. કૉલોનીના બીજા ભાગમાંથી ઑનરરી સેક્રેટરી મેમ્બરોને નોતરે.

૫. કામકાજને વાસ્તે ધારા ઘડવા ને પસાર કરવાની કમિટીને સત્તા છે અને કમિટીને બધી સાધારણ સત્તા છે.

૬. કમિટી વાજબી પગારે એક પગારદાર સેક્રેટરી નીમે.

૭. ઓનરરી સેક્રેટરી પોતાની મરજી મુજબ કૉંગ્રેસને ટેકો આપે એવા યુરોપિયનને વાઈસ પ્રેસિડન્ટ બનવા નોતરે.

૮. કૉંગ્રેસના ફંડમાંથી ઑનરરી સેક્રેટરી પોતાની મરજી મુજબ છાપાં ને ચોપડીઓ કૉંગ્રેસ લાઇબ્રેરીને સારુ મંગાવે.

૯. ઑનરરી સેક્રેટરી ચેકમાં પોતે જ સહી કરેલી છે કે પોતાની સહીની સામે બીજી સહી પણ છે એ ચોપડામાં બતાવે.