આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬
ગાંધીજીનો અક્ષરદેહ

વિલાયતમાં ચળવળ કરવાથી ઝાઝી રાહત મળવાનો સંભવ નથી કેમ કે તેનાથી સંસ્થાનમાં બે પ્રજા વચ્ચે વધારે મોટું ઘર્ષણ પેદા થયા વગર રહે નહીં. અને વળી એવી રાહત બહુ તો માત્ર કામચલાઉ મળે. સંસ્થાનમાંના યુરોપિયનોને હિંદીઓ સાથે આથી વધારે સારી રીતે વર્તવાને સમજાવી ન શકાય તો વિલાયતની સરકારની ખબરદારી છતાં પણ જવાબદાર રાજયનંત્રના અમલમાં હિંદીઓને માટે હવે પછી બહુ માઠા દિવસો લખાયેલા હશે.

મારો ઇરાદો વિગતોમાં ન ઊતરતાં હિંદી સવાલની સમગ્રપણે ચર્ચા કરવાનો છે.

હું માનું છું કે સંસ્થાનમાંનો હિંદુસ્તાની આજે એક તિરસ્કૃત જીવ છે એ વિષે શંકા નથી અને તેની સામેના હરેક પ્રકારના વિરોધના મૂળમાં તે તિરસ્કાર રહેલો છે.

એ તિરસ્કારનો ભાવ જે માત્ર તેના રંગને કારણે હશે તો અલબત્ત, તેને માટે કોઈ આશા નથી. પછી તો સંસ્થાન છોડીને તે જેટલો વહેલો નીકળી જાય તેટલું સારું. તે ગમે તે કરે તોયે તેને ગોરી ચામડી મળવાની નથી. પણ એ તિરસ્કારના ભાવનું કારણ બીજું કાંઈ હશે, તેના સાધારણ ચારિત્ર્ય અને શક્તિ તેમ જ સિદ્ધિ વિષેનું અજ્ઞાન તેના મૂળમાં હશે તો સંસ્થાનમાંના યુરોપિયનોને હાથે તેના હક મુજબનું વર્તન તેને મળવાની આશા રહે છે.

હું નમ્રપણે સૂચવવા માગું છું કે સંસ્થાને પોતાને ત્યાંના ૪૦,૦૦૦ હિંદુસ્તાનીઓનો કેવો ઉપયોગ કરવો તે સવાલ સંસ્થાનીઓએ અને ખાસ કરીને જેમના હાથમાં રાજવહીવટની લગામ છે અને જેમને પ્રજાએ કાયદાકાનૂન ઘડવાની સત્તા સેપી છે તેમણે અત્યંત ગંભીરપણે વિચારવા જેવો છે. એ ૪૦,૦૦૦ હિંદુસ્તાનીઓને સંસ્થાનમાંથી જડમૂળથી ઉખેડી ફેંકી દેવાની વાત નિ:શંક અશકય લાગે છે. તેમનામાંના ઘણાખરાએ પોતાના કુટુંબપરિવાર સાથે અહીં વસવાટ કરેલો છે. કાયદા ઘડનારી સંસ્થાના સભ્યો તેમને અહીંથી હાંકી કાઢી શકે એમ નથી કેમ કે તેમના તે પ્રકારના કોઈ કાનૂની પગલાને એકે બ્રિટિશ સંસ્થાનમાં મંજુરી મળે એવી નથી. હવે પછી બીજા હિંદીઓને આ મુલકમાં આવતા રોકવાની અસરકારક યોજના રચવાનું બની શકે એવું છે. પણ હું નમ્રપણે જણાવવા ઈચ્છું છું કે મેં સૂચવેલો સવાલ તમારા સૌના લક્ષ ઉપર લાવવાને અને આ પત્ર કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર વાંચી જવાને તમને સૌને વિનંતી કરવાને મને અધિકાર આપે એટલો ગંભીર છે.

હિંદુસ્તાનીઓને સંસ્કારની કક્ષામાં તમે ઊંચા ચડાવશો કે નીચા ઉતારશો? વંશપરંપરાને પરિણામે જે સ્થાન તેમને સહેજે મળે તેના કરતાં નીચેની પાયરીએ તમે તેમને ઉતારી મૂકશો? તેમનાં દિલને તમારાથી પરાયાં કરશો કે તમે તેમને તમારી વધારે નજીક ખેંચશો? ટૂંકમાં, તમે તેમના પર સહાનુભૂતિથી કે જુલમગારની રીતથી રાજ્યનો અમલ ચલાવશો? એ બધા સવાલો વિચારી શું કરવું તે તમારે નક્કી કરવાનું છે.

તમે સૌ ધારો તો જાહેર પ્રજામત એવી રીતે કેળવી શકો કે હિંદુસ્તાનીઓ માટેનો તિરસ્કારનો ભાવ દિવસે દિવસે ઉગ્ર થતો જાય અથવા તમને ગમે તો તેને એવી રીતે કેળવી શકો . કે તે શમવા માંડે.

હવે હું આ સવાલની ચર્ચા નીચે બતાવેલા ચાર વિભાગમાં વહેંચીને કરવા ધારું છું:

૧. હિંદુસ્તાનીઓ સંસ્થાનમાં નાગરિકો તરીકે આવકારવા જેવા છે?
૨. તે કોણ ને કેવા છે?
૩. તેમની સાથે ચલાવવામાં આવતો વર્તાવ ઉત્તમોત્તમ બ્રિટિશ પરંપરા, અથવા ન્યાય

અને નીતિના મૂળ સિદ્ધાંતો, અથવા ઈશુના ધર્મના સિદ્ધાંતો અનુસાર છે ખરો?