આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ગાંધીજીને અક્ષરદેહ

સ્થપાયેલી સરકારની સત્તાને તાબે થવાની વાતમાં તેમનો જોટો જડે એવો નથી. તેઓ કદી રાજકીય દૃષ્ટિએ જોખમરૂપ થાય એવા નથી. મદ્રાસ તેમ જ કલકત્તામાંથી મજૂરોની ભરતી કરી અહીં મોકલનારા ઇમિગ્રેશન એજન્ટો અલબત્ત, અજાણતામાં કેટલીક વાર આમતેમથી ઉઠાવી લઈ જે અણધડ નઠોર માણસોને અહીં મોકલે છે તેમને બાદ કરતાં એ લોકો ગંભીર પ્રકારના ગુનાઓ કરવામાંથી મુક્ત ગણાય છે. ફોજદારી અદાલતોના આંકડા પરથી હું સરખામણી કરી શકયો નથી, તેથી આ મુદ્દા પર બીજું ઝાઝું કહી શકું એમ નથી તે સારુ દિલગીર છું. છતાં नाताल एल्मॅनॅकમાંથી ઉતારો ટાંકવાની હું રજા ચાહું છું: “હિંદુસ્તાની વસ્તીને માટે એટલું કહેવું જોઈશે કે એકંદરે તે નિરુપદ્રવી, શાંતિપ્રિય અને કાયદાને અનુસરીને ચાલવાવાળી છે.”

હિંદુસ્તાની મજૂરો સંસ્થાનના પસંદ કરવા જેવા જ નહીં, ઉપયોગી નાગરિકો પણ છે, તેની આબાદીને માટે અત્યંત જરૂરના છે અને વેપારીઓમાં એવું કશું નથી કે જેથી તેમને નાપસંદ કરી સંસ્થાનમાંથી કાઢી મૂકવા પડે એટલું ઉપર રજૂ કરેલી હકીકતો બતાવી આપે છે એમ હું નમ્રપણે સૂચવું છું.

આ વિષયની રજૂઆત પૂરી કરતાં પહેલાં વેપારીઓની બાબતમાં એટલું ઉમેરી લઉં કે યુરોપિયન કોમના ગરીબ વિભાગને સારુ તેઓ ખરેખર એક આશીર્વાદરૂપ છે, કેમ કે પોતાની તીવ્ર હરીફાઈથી તેઓ જીવનની જરૂરિયાતોના ભાવો નીચા રાખે છે; એને હિંદુસ્તાની મજૂરોની ભાષાના જાણકાર હોવાથી તેમ જ તેમના રીતરિવાજો સમજતા હોવાથી તેઓ તેમને માટે અનિવાર્ય જરૂરના છે કેમ કે તેઓ તેમની જરૂરિયાતો વિચારી તેમને પૂરી પાડે છે અને યુરોપિયન વેપારીઓને મુકાબલે વધારે સારી રીતે અને શરતે તેમની સાથે કામ લે છે.

આપણી તપાસનો બીજો મુદ્દો એટલે કે એ હિંદુસ્તાનીઓ કોણ છે અને કેવા છે, એ સૌથી મહત્ત્વનો છે અને તેથી તેની ચર્ચા હું તમને કાળજીથી વાંચી જવાને વિનંતી કરું છું. હિંદુસ્તાન અને તેના લોકો વિષે અભ્યાસ કરવાની વાતને માત્ર પ્રેરણા મળશે તોયે એ વિષયને અંગેના મારા લખાણનું પ્રયોજન પાર પડશે; કેમ કે હું ચોક્કસ માનું છું કે દક્ષિણ આફ્રિકામાં હિદીઓને વેઠવી પડતી હાડમારીઓના અરધા બલકે પોણા ભાગની હિંદુસ્તાન વિષેની માહિતીના અભાવમાંથી પેદા થાય છે.

આ પત્ર હું કોને સંબોધીને લખું છું તેનું ભાન મારા કરતાં વધારે બીજા કોઈને નહીં હોય. મારા પત્રના આ વિભાગથી કેટલાક માનનીય સભ્યોને અપમાન લાગવાનો અને તેથી રોષ થવાનો સંભવ છે. પૂરેપૂરી અદબ સાથે તેવા માનનીય સભ્યોને હું કહીશ કે, “તમે હિંદુસ્તાનને વિષે ઘણું ઘણું જાણો છો તેનો મને ખ્યાલ છે પણ તમારા જ્ઞાનનો લાભ સંસ્થાનને નામનોયે મળતો નથી એ એક ક્રૂર હકીકત નથી કે? હિંદુસ્તાન વિષેની માહિતી તેમ જ જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરનારા બીજાઓએ મેળવેલા જ્ઞાનના કરતાં તમે તે વિષે મેળવેલું તદ્દન જુદું અને ઊલટું હોય તો વાત જુદી છે, બાકી હિંદુસ્તાનીઓને તો તેથી લાભ નથી થયો એટલું ચોક્કસ છે. વળી, મારો આ નમ્ર પ્રયાસ સીધો તમને સંબોધીને થયો હોવા છતાં તે બીજા અનેકને, હકીકતમાં આજના બધા રહેવાસીઓ સહિતના સંસ્થાનના ભાવિમાં જેમને જેમને રસ છે ને જેમનું જેમનું હિત છે તે સૌને પણ પહોંચે એવી અપેક્ષા છે.”