આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ગાંધીજીનો અક્ષરદેહ

હિંદી ફિલસૂફી અને ધર્મની બાબતમાં इन्डियन एम्पायर(હિંદી સામ્રાજ્ય)ના વિદ્રાન કર્તા આ મુજબનો સમારોપ કરે છે:

આત્મસંયમ, દાન, ઈશ્વરનું ધ્યાન અને તેને સમર્પણ એ વહેવારુ ધર્મના સવાલોના બ્રાહ્મણધર્મના ઉકેલ હતા. પણ આધ્યાત્મિક જીવનના વહેવારુ સવાલો ઉપરાંત ધર્મને માટે જગતમાં ઈશ્વરની ભલાઈની સાથે જ બૂરાઈના અસ્તિત્વના જેવા અને આ જીવનમાં સુખદુ:ખની અસમાન વહેંચણીના જેવા બુદ્ધિના સવાલો પણ હોય છે. બ્રાહ્મણ તત્ત્વજ્ઞાને બુદ્ધિને મૂંઝવનારી આ મુશ્કેલીઓના અને ત્યાર બાદ ગ્રીસ તેમ જ રોમના શાણા પુરુષોને, તત્ત્વચર્ચામાં નિષ્ણાત મધ્યયુગી સ્કૂલમેનને અને आधुनिक विज्ञानीને (નાગરી મારું કરેલું છે.) મૂંઝવનારા ઘણાખરા બીજા મોટા મોટા સવાલોના સઘળા શકય ઉકેલો વિચારી કાઢયા હોઈ તે અંગે કશું બાકી રહેવા દીધું નથી. વિશ્વની ઉત્પત્તિ, વ્યવસ્થા અને વિકાસને લગતા જુદા જુદા સિદ્ધાંતો પૈકી દરેકની વિગતે છણાવટ કરવામાં આવેલી હોઈ आजना जमानाना शरीरशास्त्रीओना ख्यालो कपिलमुनिना उत्क्रांन्तिना सिद्धांतનું વધારાના જ્ઞાન સાથેનું પુનરાવર્તન છે (આ નાગરી પણ મારું કરેલું છે). ૧૮૭૭ની સાલમાં હિંદુસ્તાનની દેશી ભાષાઓમાં પ્રગટ થયેલાં ધર્મ વિષેનાં પુસ્તકોની સંખ્યા માનસિક અને નૈતિક ફિલસૂફીનાં ૫૬ ઉપરાંત ૧૧૯૨ની હતી. ૧૮૮૨ની સાલમાં એમની કુલ સંખ્યા ધર્મને લગતાં પુસ્તકો માટે ૧૫૪૫ અને માનસિક તેમ જ નૈતિક ફિલસૂફીને માટે ૧૫૩ સુધી વધી હતી.

હિંદી તત્ત્વજ્ઞાનને વિષે મેકસૂમૂલર કહે છે (નીચેનો ઉતારો અને તે પછી લેવામાં આવેલા બીજા થોડા પૂરેપૂરા અથવા અંશત: મતાધિકારને લગતી અરજીમાં ટાંકવામાં આવ્યા છે):

માણસના મને પોતાની ઉત્તમોત્તમ કુદરતી બક્ષિસો પૈકીની કેટલીક કયા આકાશ નીચે અત્યંત પૂર્ણપણે ખીલવી છે, કયાં તેણે જીવનના મોટામાં મોટા સવાલો પર અત્યંત ઊંડાણથી ચિંતન કરી પ્લેટો અને કેન્ટનો અભ્યાસ કરવાવાળાઓએ સુધ્ધાં જેમના પર લક્ષ આપવું પડે એવા તે પૈકીના કેટલાકના ઉકેલ કાઢી આપ્યા છે એવું મને પૂછવામાં આવે તો મારે જવાબમાં હિંદુસ્તાનનો નિર્દેશ કરવો જોઈએ; વળી, અહીં યુરોપમાંના આપણે, લગભગ કેવળ ગ્રીકોના તેમ જ રોમનોના અને સેમિટિક વંશની એક જાતિ એવા યહૂદીઓના વિચારો પર પોષાયેલા આપણે આપણું આંતરજીવન વધારે પરિપૂર્ણ, પોતાનામાં હજીયે વધારે સમાવી લેનારું અને વધારે પ્રમાણમાં સર્વની સાથે એકરૂપ થનાંરું, હકીકતમાં વધારે સાચી રીતે માનવતાભર્યું, કેવળ આ પૃથ્વી પરનું નહીં, રૂપાન્તર પામી ઉજજવળ થયેલું અને શાશ્વત બનાવવું હોય તો કયા સાહિત્યમાંથી અત્યંત જરૂરી સુધારાનું પૂરક તત્ત્વ મેળવવું જોઈએ એવું હું મારી જાતને પૂછું તો ફરીને પણ જવાબમાં મારે હિંદુસ્તાનનો નિર્દેશ કરવો જોઈએ.

ઉપનિષદોમાં સમાયેલા હિંદી તત્ત્વજ્ઞાનની ભવ્યતા સાબિત કરવાને જર્મન ફિલસૂફ શોપનહોર પોતાનો પુરાવો ઉમેરતાં કહે છે:

”હરેક વાકયમાંથી ઊંડા, મૌલિક અને ઉચ્ચ વિચારો ઊઠે છે, અને આખુંયે ઊંચા, પવિત્ર અને અંતરના સચ્ચાઈવાળા ભાવથી વ્યાપેલું છે. આપણી આસપાસ હિંદી વાતાવરણ અને સમાન ભાવવાળા આત્માઓના વિચારો ફેલાય છે. . . . ઔપનિખટના[૧] અભ્યાસ



  1. સત્તરમી સદીમાં મૂળ સંસ્કૃતમાંથી ફારસીમાં કરવામાં આવેલા પચાસ ઉપનિષદોના તરજુમાને સંગ્રહ