આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ગાંધીજીનો અક્ષરદેહ

છે કે જ્યાં તે રોજી રળવાને અસમર્થ થાય એવા તેના વતનમાં તેને પાછો મોકલી આપવાની ઇચ્છા રાખવી એ બ્રિટિશ પ્રજાના નિષ્પક્ષપાતીપણાની અથવા ન્યાયીપણાની ભાગ્યે નિશાની ગણાય.

હિંદીઓની સાથે ચલાવવામાં આવતું વર્તન ખ્રિસ્તી ધર્મના ઉપદેશથી વિરુદ્ધનું છે એમ બતાવવાને દલીલમાં ઊતરવાની જરૂર નથી – જે વિભૂતિએ આપણને આપણા દુશમનો માટે પણ પ્રેમ રાખવાનું શીખવ્યું, જેણે તમારો ડગલો માગે તેને તમારો ઝભ્ભો સુધ્ધાં ઉતારી આપવાનો ઉપદેશ આપ્યો, જેણે તમને ડાબે ગાલે તમાચો મારનારને જમણો ગાલ ધરવાનું કહ્યું, અને જેણે યહૂદી ને જેન્ટાઈલ (બિનયહૂદી) વચ્ચેના ભેદ વાળીઝૂડીને સાફ કરી નાખ્યા તે પોતાના જેવા જ માનવના સ્પર્શમાત્રથી અભડાઈ જવાય એવું અભિમાન માણસમાં કેળવે એવી વ્યવસ્થા હરગિજ સહન નહીં કરે.

મને લાગે છે કે તપાસના છેલ્લા મુદ્દાની ચર્ચા પહેલાની કરી તેમાં પૂરતી થઈ ગઈ છે. અને મારા પોતા પૂરતું હું કહું કે સંસ્થાનમાંથી એકેએક હિંદીને હાંકી કાઢવાનો અખતરો કરવામાં આવે તો મને ઝાઝો અફસોસ નહીં થાય. તેમ થતાંમાં એ પગલું જે દિવસે લેવાય તેનો સંસ્થાનવાસીઓ પસ્તાવો કર્યા વગર રહેશે નહીં અને એ ન લીધું હોત તો સારું એમ સમજતા થશે એ વિષે મને તલભાર શંકા નથી. નાના વેપાર અને જીવનવહેવારને માટેના બીજા નાના ધંધાને પછી બીજા કોઈ હાથમાં ધરશે નહીં. જે કામને માટે હિંદીઓની ખાસ લાયકાત છે તે યુરોપિયનો હાથમાં નહીં લે અને અત્યારે હિંદીઓ પાસેથી જે મોટી આવક સંસ્થાનને થાય છે તે તે ગુમાવશે, જે કામ યુરોપિયનો યુરોપમાં સહેલાઈથી કરી શકે છે તે કરવાને દક્ષિણ આફ્રિકાની આબોહવા તેમને અનુકૂળ નથી. છતાં મારે જે કહેવું છે તે પૂરા વિવેક સાથે જણાવું કે હિંદીઓને સંસ્થાનમાં રાખવાનું અનિવાર્ય હોય તો પોતાની આવડત, શક્તિ અને પ્રમાણિકપણાને કારણે મેળવવાને તેઓ લાયક હોય તેવું વર્તન તેમના તરફ રહેવું જોઈએ, એટલે કે ન્યાયની રીતે તેમને જે મળવું જોઈએ તે તેમને આપો, અને ઓછામાં ઓછું એટલું કરો કે પક્ષપાત અગર પૂર્વગ્રહથી મુક્ત ન્યાયની ભાવના તેમને આપવાને તમને પ્રેરે તે આપવાને ચૂકો નહીં.

હવે મારે તમને એટલી જ આજીજી કરવાની રહે છે કે આ બાબતની તમે પૂરી ગંભીરતાથી વિચારણા કરો અને તમને (અહીં મારી મતલબ ખાસ અંગ્રેજોને ઉદ્દેશીને કહેવાની છે) યાદ દેવડાવું કે ઈશ્વરે અંગ્રેજો તેમ જ હિંદીઓને એકત્ર આણ્યા છે ને હિંદીઓનું ભાવી અંગ્રેજોને હવાલે કર્યું છે તો તે બન્નેના એકઠા આવવાનું ફળ ઉદાર સહાનુભૂતિ, મહોબત અને પરસ્પરના મુક્ત સંબંધ તેમ જ હિંદી માનસના બંધારણની સાચી સમજને પરિણામે કેળવાયેલું કાયમનું જોડાણ હશે કે પછી જ્યાં સુધી હિંદીઓને અંકુશમાં રાખવાનાં સાધનો અંગ્રેજો પાસે હશે ને ! કુદરતી રીતે નરમ એવા હિંદીઓ અકળાઈને પારકા લોકોની પોતાને માથે પડેલી ઝૂંસરીનો સીધો સક્રિય વિરોધ કરવા માંડશે ત્યાં સુધી માત્ર એ જોડાણ નભશે એ વાત હરેક અંગ્રેજ હિંદીની બાબતમાં શું કરે છે અને તેની સાથે કેવો વહેવાર ચલાવે છે તેના પર મોટે ભાગે આધાર રાખે છે. વળી તમને આગળ યાદ દેવડાવું કે ઇંગ્લંડમાં રહેતા અંગ્રેજો બન્ને પ્રજાઓનાં હૃદય એક કરવાને ઇચ્છે છે, વર્ણભેદમાં માનતા નથી અને હિંદના ખંડિયેર પર ચડીને પોતે આગળ વધે તેને બદલે તેને પોતાની સાથે આગળ ચડાવવાનું બહેતર લેખે છે એમ