આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
ગાંધીજીનો અક્ષરદેહ


બીમારીના ઇલાજ તરીકે શુદ્ધ શાકાહારની ભલામણ કરે છે. જયાં ફળફળાદિ અને જાતજાતનાં શાકો ભરપૂર મળે છે તે નાતાલ જેવા પ્રમાણમાં ગરમ મુલકમાં માંસના બનેલા ખોરાકો કરતાં વિજ્ઞાનનાં, આરોગ્યનાં ને સ્વચ્છતાનાં, આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક કારણોસર શાકાહાર ઘણો ચડિયાતો છે તે વાત બાજુએ રહેવા દઈએ તોયે લોહીમાંસ વગરનો ખોરાક બધી રીતે ફાયદો કરનારો નીવડયા વગર રહે નહીં.

એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયનનાં પુસ્તકોનું વેચાણ પૈસા કમાવાનું સાધન બિલકુલ નથી એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. કેટલાક દાખલાઓમાં તો એ પુસ્તકો એમ ને એમ વહેંચવામાં આવ્યાં છે. બીજા કેટલાક દાખલાઓમાં તેમને ખુશીથી વાંચવા માટે ઉછીનાં આપવામાં આવશે. એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન વિષે અથવા લંડન વેજિટેરિયન સોસાયટી વિષે વધારે માહિતી મેળવવાની ઇચ્છાવાળા તમારા કોઈ પણ વાચક સાથે પત્રવહેવાર કરવામાં અને આ (કંઈ નહીં તો મારે માટે) મહત્ત્વના સવાલો પર શાંતિથી વાતચીત કરવામાં મને ઘણો આનંદ આવશે. એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયનના ઉપદેશની બાબતમાં રેવરન્ડ જૉન પુસફર્ડ, ડી. ડી.એ કહ્યું છે તે અહીં ઉતારી મારો પત્ર પૂરો કરું :

આ ઉપદેશો દિવ્ય તારકોના પટની અંદરથી પહોંચાડવામાં આવ્યા છે તે બાબતમાં શંકા ઉઠાવવાનું આધ્યાત્મિક બુદ્ધિવાળા વાચકને સારુ અશકય છે. તે બધામાં પવિત્ર આકાશ અને ઈશ્વરનું એકત્રિત અને સધન ડહાપણ ભરેલું છે. ખ્રિસ્તીઓને પોતાનો ધર્મ સમજાયો હશે તો આ અમૂલ્ય અધિકૃત નોંધોમાં તેમને પ્રભુ ઈસુ અને તેમના જીવનની પ્રક્રિયાનો પૂરેપૂરો નમૂનો અને તેની સાબિતી મળી રહેશે. આવા સંદેશાઓ મળી શકે છે અને દુનિયાને પહોંચાડી શકાય છે એ બીના આપણા જમાનાનું એક એંધાણ છે, ખૂબ ઉજજવળ ભાવિની આશા આપનારું પાકું એધાણ છે.
હું છું, વગેરે

 

મો. ક. ગાંધી

  [મૂળ અંગ્રેજી]

धि नाताल एडवर्टाइझर, ૧–૨–૧૮૯૫