આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫
નાતાલ ધારાસભાને અરજી

કરનું આવું કોઈક પ્રયોજન છે એવી દલીલ કદી કરવામાં નહીં આવે. પોતાના કરારની મુદત પૂરી થાય એટલે તેનાથી બંધાઈને આવેલા હિંદીને સંસ્થાનમાંથી હાંકી કાઢવાનો આ કર નાખવાની દરખાસ્તનો સ્વીકારી લેવામાં આવેલો આશય છે. આમ પરિણામે માણસને તે આર્થિક પ્રવૃત્તિ કરવાની મનાઈ ફરમાવનારો નીવડશે અને મુક્ત વેપારવહેવારના રિવાજની સાથે ઘર્ષણમાં આવશે. વળી, તમારા અરજદારોને ડર છે કે તે કર મુદતી કરારથી બંધાઈને અહીં આવેલા હિંદીઓ પર નાહકનો અન્યાય ગુજારે છે કેમ કે જેના હિંદ સાથેના બધા સંબંધો કપાઈ ગયા છે અને જે અહીં સંસ્થાનમાં પોતાના પરિવાર સાથે આવીને રહેલો છે તેવા હિંદીને સારુ પોતાને વતન પાછા જવું અને ત્યાં રોજી મેળવવી એ તદ્દન અશકય જેવું છે. પોતાના જાતઅનુભવને આધારે તમારા અરજદારો જણાવવાની રજા ચાહે છે કે સામાન્યપણે હિંદમાં પોતાનું શરીર નભાવવાને જરૂરી કામ જેમને મળતું નથી તેવા જ લોકો મુદતી કરારથી બંધાઈને સંસ્થાનમાં મજૂરીએ આવે છે. હિંદી સમાજનું બંધારણ જ એવું ઘડાયેલું છે કે પહેલાં તે એક હિંદી પોતાનું ઘર છોડીને બહાર જતો નથી અને વખાના માર્યા તેને તેમ કરવાની ફરજ પડે છે તો તેને માટે હિંદ પાછા ફરવાની અને ત્યાં મોટી દોલત મેળવવાની વાત તો આઘી રહી, કેવળ રોજે રોજ પેટ ભરવાને જરૂરી રોજી મેળવવાની આશા રહેતી નથી.

સંસ્થાનની આબાદીને માટે હિંદી મજૂરો વગર ચલાવી શકાય એવું નથી એ હકીકતનો બધેથી સ્વીકાર થયેલો છે. એમ છે તો પછી તમારા અરજદારો સૂચવે છે કે સંસ્થાનની આબાદીને આગળ વધારવામાં આવી સંગીન રીતે મદદરૂપ થનારા મુદતી કરારથી બંધાઈને આવનારા હિંદીઓને વધારે સારી રીતે રાખવામાં આવે એવો તેમનો હક થાય છે.

આ કાયદાનો ખરડો પ્રજાના એક વર્ગને ખ્યાલમાં રાખીને થતા કાનૂનોના સ્વરૂપનો છે કેમ કે સંસ્થાનમાં હિંદીઓની વિરુદ્ધમાં જે પૂર્વગ્રહ વરતાય છે તેને વધારનારો હોઈ તેને ઉત્તેજન આપે છે અને એ રીતે એક વર્ગના બ્રિટિશ પ્રજાજન અને બીજા વર્ગના બ્રિટિશ પ્રજાજન વચ્ચેનું અંતર વધાર્યા વગર રહેશે નહીં એટલું જણાવવાની ભાગ્યે જરૂર હોય. તેથી તમારા અરજદારો નમ્રતાપૂર્વક અરજ ગુજારે છે કે તમારી નામદાર ધારાસભા કાયદાના ખરડાના જે ભાગમાં મુદતી કરાર નવેસરથી કરાવવાનું અને તેવા કરાર ન કરનારા પર કર નાખવાનું વિચારાયું છે તે એવો નથી કે જેને અનુકૂળ થવાનું પોતે વિચારી શકે એવા નિર્ણય પર આવે અને તમારા એ ન્યાયના તેમ જ દયાના કામને સારુ તમારા અરજદારો હમેશ દુવા ગુજારશે વ. વ.

(સહી)અબદુલ્લા હાજી આદમ


અને બીજા ઘણા



[મૂળ અંગ્રેજી]
છાપેલી નકલની છબી પરથી.