આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
ગાંધીજીનો અક્ષરદેહ

નથી છતાં દરેક જણ અરે, વધારેમાં વધારે બહેકાવીને વાતો કરનાર શંકાખોર સુધ્ધાં કબૂલ કરે છે કે અસલ વતનીઓમાંથી ઈસુના સારા અનુયાયીઓ નિપજાવવાની બાબતમાં ટ્રૅપિસ્ટોના મિશનને સારામાં સારી સફળતા વરી છે. ખ્રિસ્તી ધર્મના બીજા પંથોની નિશાળો ઘણી વાર સ્થાનિક વતનીઓને પશ્ચિમની સંસ્કૃતિના બધા ભયાનક દુર્ગુણો કેળવવામાં કારણભૂત બની છે અને તે બધી તેમના પર ભાગ્યે કશો નૈતિક પ્રભાવ પાડી શકી છે, પણ ટ્રૅપિસ્ટ મિશનમાં કેળવાતા આદિવાસીઓ સાદાઈ, સદ્ગુણ અને નમ્રતામાં નમૂનેદાર નીવડયા છે. સામેથી જનારને તે બધાં નમ્રતાથી છતાં સ્વમાન સાચવીને જે રીતે નમસ્કાર કરતાં તે જોવાનો પણ એક લહાવો હતો.

મિશનની વસાહતમાં આશરે ૧,૨૦૦ આદિવાસીઓ છે અને તેમાં બાળકો તેમ જ પુખ્ત વયનાંનો સમાવેશ થાય છે. અહીં પ્રમાદ, આળસ અને વહેમોવાળા જીવનને બદલે તે સૌએ ઉઘમનું, ઉપયોગીપણાનું અને સર્વોપરી ઈશ્વરની ભક્તિનું જીવન મેળવ્યું છે.

વસાહતમાં લુહારકામનાં, જસતનાં પતરાંના કામનાં, સુથારીનાં, પગરખાં બનાવવાનાં ચામડાં કેળવવાનાં અને એવાં બીજાં જાતજાતનાં કારખાનાં છે. તેમાં આદિવાસીઓને એ બધા ઉપયોગી ઉદ્યોગો ઉપરાંત અંગ્રેજી અને ઝુલુ ભાષાઓ શીખવવામાં આવે છે. અહીં એક બીના નોંધવી જોઈએ કે આ ઉદાર વસાહતીઓમાંના લગભગ બધા જર્મનો છે. પણ આદિવાસીઓને જર્મન ભાષા શીખવવાની નામનીયે પ્રવૃત્તિ કરતા નથી એ તેમના દિલની ઉદારતા સ્પષ્ટપણે પ્રગટ કરે છે; અા બધા આદિવાસીઓ ગોરાઓ ભેગા તેમની સાથે રહી કામ કરે છે.

બહેનોના મઠમાં કપડાંની ઇસ્ત્રી કરવાનાં, કપડાં સીવવાનાં, ઘાસની હેટ બનાવવાનાં અને ગૂંથણકામનાં ખાતાંઓ છે. અને તે બધાંમાં સ્વચ્છ પોશાકમાં કામમાં એકધ્યાનથી અને ચીવટથી ઉધમ કરતી આદિવાસી કન્યાઓ જોવાની મળે છે.

ઍબી (મઠ)થી બે માઈલ પર તેમનું છાપકામનું ખાતું અને પાણીના ધોધથી ચાલતી અનાજ દળવાની ઘંટી આવેલાં છે, સાથે એક ઘાણીયંત્ર પણ છે અને તે સીંગદાણા પીલી તેનું તેલ કાઢવાના કામમાં લેવામાં આવે છે. ઉપર ગણાવેલાં કારખાનાંઓ તેમ જ ખાતાંઓમાંથી વસાહતીઓને તેમની મોટા ભાગની જરૂરિયાતો પૂરી પડે છે એ જણાવવાની જરૂર ન હોવી જોઈએ. ગરમ આબોહવામાં થતાં ઘણી જાતનાં ફળ તે લોકો પોતાની વાડીમાં ઉગાડે છે અને એ બાબતમાં વસાહત લગભગ સ્વાવલંબી છે.

પોતાની પડોશમાં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ માટે તેમને પ્રેમ અને આદર હોઈ તે લોકો પણ સામા તેમના તરફ તેવા ભાવ રાખે છે અને સામાન્યપણે એ લોકોમાંથી જ ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારાં મળી આવે છે.

વસાહતનું પ્રમુખમાં પ્રમુખ લક્ષણ એ છે કે તેમાં જયાં જુઓ ત્યાં બધે તમને ધર્મનું દર્શન થાય છે. દરેક ખંડમાં કૂસ રાખવામાં આવ્યો હોઈ દરેકના પ્રવેશની જગ્યા પર પવિત્ર જળનું વાસણ હોય છે અને વસાહતી તે પાણી પોતાની આંખે, કપાળે અને છાતીએ લગાડે છે. અનાજ દળવાની ઘંટી સુધીનો ટૂંકો રસ્તો પણ ક્રૂસનું થોડું સ્મરણ જગાડયા વગર રહેતો નથી. એ એક રળિયામણી પગથી છે. તેની એક બાજુ પર જેની વચ્ચેથી મીઠામાં મીઠું સંગીત સંભળાવતી નાનકડી નદી વહે છે એવી ખીણ આવેલી છે. અને બીજી બાજુ પર ક્લૅવૅરીના [૧]


  1. ૧. જ્યાં ઈસુને ક્રુસ પર વધેરવામાં આવ્યા હતા તે સ્થળ, જે માણસની ખોપરીના આકારનીટેકરી છે.