આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
લૉર્ડ રિપનને અરજી


અને ન્યાય ને દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો હંમેશ બંદગી કરવાની પોતાની ફરજ સમજે છે વગેરે.[૧]

પરિશિષ્ટ ૧

આથી હું દાખલો આપું છું કે પ્રિટોરિયા શહેરમાં પાછલાં પાંચ વરસથી હું સામાન્ય દાક્તર તરીકે વ્યવસાય કરું છું.

એ ગાળા દરમિયાન હિંદીઓમાં મારું કામકાજ ધીકતું ચાલતું હતું અને તેમાંયે ત્રણેક વરસ પહેલાં આજના કરતાં તેમની વસ્તી ઘણી વધારે હતી ત્યારે ખાસ વધારે ચાલતું હતું.

સામાન્યપણે મારા અનુભવમાં આવ્યું છે કે તેઓ શરીરે સ્વચ્છ હતા અને ગંદકી તેમ જ ફૂવડ આદતોને લીધે આવતી બીમારીઓમાંથી મુક્ત રહેતા હતા. તેમનાં રહેઠાણ સામાન્યપણે ચોખ્ખાં હોય છે અને આરોગ્ય તેમ જ સ્વચ્છતાના નિયમો તેઓ રાજીખુશીથી પાળે છે. વર્ગ તરીકે વિચાર કરવામાં આવે તો મારો અભિપ્રાય એવો છે કે નીચલામાં નીચલા વર્ગનો હિંદી નીચલામાં નીચલા વર્ગના ગોરાને મુકાબલે ઊતરે નહીં એટલે કે નીચલામાં નીચલા વર્ગના હિંદીની રહેણીકરણી ચડિયાતી હોય છે, તે વધારે સારા ઘરમાં રહે છે અને નીચલામાં નીચલા વર્ગના ગોરાની સરખામણીમાં સ્વચ્છતા અને સુખાકારીને લગતા ઈલાજનો વધારે ખ્યાલ રાખે છે.

એથી આગળ મારા જેવામાં આવ્યું કે શહેર અને જિલ્લામાં બળિયાનો વાવર ચાલ્યો અને હજીયે ચાલે છે ત્યારે હરેક પ્રજાનો એક કે એકથી વધારે માણસ કોઈ ને કોઈ વખતે ચેપી રોગના દરદીઓની ઇસ્પિતાલમાં હતો, પરંતુ એક પણ હિંદી, તેમાં નહોતો.

મારો અભિપ્રાય છે કે સામાન્યપણે સ્વચ્છતા અને સુખાકારીના નિયમોના પાલનની દૃષ્ટિથી હિંદીઓની સામે વાંધો લેવાનું અશકય છે; અલબત્ત, ગોરાઓની જેમ હિંદીઓ પર પણ સુખાકારી ખાતાના અમલદારોની નિયમિત અને સખત દેખરેખ રાખવામાં આવે.

એચ. પ્રાયર વીલ

૨૭ એપ્રિલ, ૧૮૯૫

બી.એ., એમ. બી. બી. એસ. (કૅંન્ટાબ).

પ્રિટોરિયા, ઝેડ. એ. આર.[૨]

 

પરિશિષ્ટ ૨

 

જોહાનિસબર્ગ,

 

૧૮૯૫

 

આથી દાખલો આપવામાં આવે છે કે આ નેાંધ લઈને આવનારનાં રહેઠાણ મેં તપાસ્યાં છે અને તે સ્વચ્છતા ને આરોગ્યની સ્થિતિમાં માલૂમ પડયાં છે. અને હકીકતમાં એવાં કે તેમાં કોઈ પણ યુરોપિયન વસવાટ કરી શકે. હું હિંદુસ્તાનમાં રહી આવ્યો છું. હું પ્રમાણપત્ર આપી શકું કે તેમનાં અહીંનાં ઝેડ. એ. આર.[૨]માં આવેલાં રહેઠાણો તેમના વતનના દેશમાંનાં તેમનાં રહેઠાણો કરતાં કયાંયે ચડિયાતાં છે.

સી. પી. સ્પિક,

 

એમ.આર.સી.પી. અને એલ.આર.સી. એસ. (લંડન)



  1. અરજીની છાપેલી મૂળ નકલ પર સહીએા નથી,
  2. દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયને માટેના ડચ નામ ઝુઈદ આફ્રિકાન્શે રિપબ્લિકનું ટૂંકું રૂપ.