આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
લોર્ડ એલ્જિનને અરજી

માનપૂર્વક જણાવે છે કે મંજૂરી મેળવી લેવાનું જે કોઈ કારણોથી ન્યાયી ઠરતું જ હોય તો પણ તે માટે અપાયેલાં કારણો સંપૂર્ણ રીતે અધૂરાં છે.

આ સાથે જોડેલાં લખાણમાં ઈશારો કરવામાં આવ્યો છે તે મુજબ, તમારા અરજદારો તમો નામદારને, આજીજીપૂર્વક વિનંતી કરે છે કે વાંધો લેવામાં આવ્યો છે એવી કોઈ પણ કલમોને મંજૂરી આપવામાં નહીં આવે, પરંતુ સાથે જોડેલા લખાણમાં [૧] ઉતારેલા મિ. જે. આર. સૉન્ડર્સ અને માનનીય મિ. એસ્કમ્બના ભારપૂર્વક વ્યક્ત કરેલા અભિપ્રાયો મુજબ નાતાલ આવતા વસાહતીઓને અટકાવવામાં આવે.

તમારા અરજદારો માનપૂર્વક એ વાતનો વિરોધ કરે છે કે સમ્રાજ્ઞીના પ્રજાજનોના કોઈ પણ વર્ગને, પછી તે સૌથી ગરીબ કેમ ન હોય, લગભગ ગુલામ બનાવવામાં આવે અથવા તેના ઉપર ખાસ, હાનિકારક માથાવેરો નાખવામાં આવે, અને તે એટલા ખાતર કે સંસ્થાનવાસીઓનું એક જૂથ જે આવા પ્રજાજનો પાસેથી આજ સુધી ભારેમાં ભારે ફાયદો ઉઠાવતું આવ્યું હોય તે કોઈ પણ બદલો આપ્યા સિવાય એ જ માણસો પાસેથી વધારે ચૂસવા માટેની પોતાની ધૂન કે ઈચ્છા સંતોષી શકે, ફરજિયાત ફરી કરારમાં ઊતરવાના અથવા તેને બદલે માથાવેરો નાખવાના વિચારને ધૂન કહેવામાં તેમણે સાચો જ શબ્દ વાપર્યો છે; કારણ કે તમારા અરજદારો દૃઢતાપૂર્વક માને છે કે સંસ્થાનમાં હિંદીઓની વસ્તી ત્રણ ગણી કરી દેવામાં આવે તોપણ ભય માટે કોઈ કારણ રહેતું નથી.

પરંતુ, તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે, ઉપરના જેવી બાબતમાં સંસ્થાનના લોકોની ઇચ્છા જ કાંઈ તમો નામદારના નિર્ણયની માર્ગદર્શક નહીં થઈ શકે, પણ આ કલમોની અસર નીચે આવતા હિંદીઓનાં હિતોનો પણ વિચાર કરવાનું જરૂરી છે. અને યોગ્ય એવા પૂરા આદર સાથે તમારા અરજદારોને કહેતાં કોઈ પણ સંકોચ રહેતો નથી કે આ કલમો જો કદી મંજુર થઈ તો તે સમ્રાજ્ઞીના સૌથી નિરાધાર પ્રજાજનો માટે એક ગંભીર અન્યાય અને ગેરવર્તાવનું કાર્ય થઈ પડશે.

તમારા અરજદારો જણાવે છે કે પાંચ વર્ષનો ગિરમીટનો ગાળો પસાર કરવામાં પૂરતો લાંબો છે. એને અચોક્કસ મુદત માટે લંબાવવાનો અર્થ એ થશે કે જે કોઈ હિંદી ૩ પાઉન્ડનો માથાવેરો ભરી નહીં શકે અથવા હિંદુસ્તાન પાછો નહીં જઈ શકે તેણે કાયમને માટે સ્વતંત્રતા વિના, કદી પોતાની સ્થિતિ સુધારવાના કોઈ પણ અવકાશ વિના, તથા તેનું ઝૂંપડા જેવું ઘર, તેની નજીવી રોજી અને ચીંથરેહાલ કપડાંને બદલે વધારે સારું ઘર, ગમી જાય એવો ખોરાક અને માનભર્યાં કપડાં મેળવવાનો વિચાર સુધ્ધાં કર્યા વિના રહેવું પડશે. તેણે પોતાનાં બાળકોને પોતાના રસ પ્રમાણે કેળવણી આપવાનો અથવા પોતાની પત્નીને કોઈ પણ જાતના આનંદપ્રમોદ વડે સુખસંતોષ આપવાનો વિચાર સુદ્ધાં કરવો નહીં જોઈએ. તમારા અરજદારોનું કહેવું એવું છે કે ઉપર વર્ણવેલા જીવન કરતાં તો હિંદુસ્તાનમાંનું અડધી ભૂખની દશાનું પરંતુ સ્વતંત્રતાનું અને સમાન સ્થિતિવાળા મિત્રો અને સગાંસંબંધી વચ્ચેનું જીવન ખરેખર વધારે સારું અને વધારે ઈચ્છવાજોગ બનશે, એવી સ્થિતિમાં તો હિંદીઓ હજી પોતાની હાલત સુધારવાની અપેક્ષા રાખી શકે અને તક મેળવી શકે, પણ અહીંની સ્થિતિમાં તો કદી તેમ નહીં કરી શકે, તમારા અરજદારો માને છે કે પ્રવાસે નીકળવાને ઉત્તેજન આપવાનો આવો હેતુ કદી નહોતો.


  1. ૧. જુએા ૫ા. ૧૭૧-૨.