આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ

શ્રી સી. એન. જીવાએ ૨,૦૦૦ પરિપત્રો મફત છપાવી આપ્યા છે. એને માટેના કાગળ થોડા શ્રી હાજી મહમદે અને થોડા શ્રી હુસેન કાસમે આપ્યા છે.

શ્રી અબદુલ્લા હાજી આદમે એક ગાલીચો ભેટ આપ્યો છે. શ્રી માણેકજીએ એક ટેબલ આપ્યું છે.

શ્રી પ્રાગજી ભીમભાઈએ ૧,૦૦૦ કવર આપ્યાં છે.

માનદ મંત્રીએ હિંદુસ્તાનમાં ગુજરાતી અને અંગ્રેજીમાં નિયમો છપાવી આપ્યા અને હંમેશના પખવાડિક પરિપત્રો માટે ટપાલની ટિકિટો, કાગળો વગેરે ચીજો આપી છે.

મિ. લૉરેન્સ જેઓ સભ્ય નથી તેઓ શાંતિભર્યા ઉત્સાહ સાથે પરિપત્રો વહેંચવાનું કામ કરી રહ્યા છે.

પરચૂરણ બાબતો

હાજરી ઘણી કંગાળ રહી છે અને તે દુ:ખદાયક રીતે અનિયમિત હતી. તામિલ સભ્યોએ કૉંગ્રેસનાં કામમાં ઝાઝો ઉત્સાહ બતાવ્યો નથી. કાંઈ નહીં તો તેઓ લવાજમ ભરવાની ઢીલાશની ખોટને વખતસર અને નિયમિત હાજરી આપીને પૂરી શકયા હોત. નાની રકમનાં દાનો મેળવવાનું સરળ બનાવવા માટે શ્રી એ. એચ. આદમ, શ્રી અબદુલ કાદર, શ્રી ડી. પિલ્લે અને માનદ મંત્રીની સહીઓવાળી એક શિલિંગ, બે શિલિંગ અને બે શિલિંગ છ પેન્સની ટિકિટો કાઢવામાં આવી છે. પરંતુ આ યોજનાનાં પરિણામો વિષે હજી આગાહી કરી શકાય એમ નથી.

એક એવી મતલબનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે કે કાર્યકરોમાં ઉત્સાહ રેડવા માટે પ્રવૃત્તિશીલ કાર્યકરોને ચાંદો એનાયત કરવામાં આવે. હજી એ તૈયાર કરાવાયા નથી.

મૃત્યુ અને વિદાય

થોડા માસ પહેલાં શ્રી દિનશા અવસાન પામ્યા એ વાતની દિલગીરી સાથે નોંધ લેવી પડે છે.

આશરે દસ સભ્યો હિંદુસ્તાન જવા રવાના થયા છે. જેમાંથી માજી પ્રમુખશ્રી ઉપરાંત શ્રી હાજી મહમદ, શ્રી હાજી સુલેમાન, શ્રી હાજી દાદા, શ્રી માણેકજી એટલાનો ઉલ્લેખ કરી શકાય. શ્રી મુથુકૃષ્ણ અને શ્રી રણજિતસિંગે રાજીનામાં આપ્યાં છે.

આશરે ૨૦ સભ્યોએ કદી કાંઈ પણ લવાજમ ભર્યું નથી. એઓ કદી કૉંગ્રેસમાં જોડાયા જ નથી એમ કહી શકાય.

સૂચનો

જે સૌથી મહત્ત્વનું સૂચન કરવું પડે છે તે એ છે કે લવાજમ ગમે તે હોય પણ તે આખા વર્ષ માટે આગળથી ભરી દેવાનું ફરજિયાત બનાવવું જોઈએ.

વધારાની સૂચનાઓ

એ વાતનો ખ્યાલ રખાવો જોઈએ કે કેટલોક ખર્ચ કૉંગ્રેસે મંજૂર કરવા ઠરાવેલું હોવા છતાં કરવામાં આવ્યો નથી. બહુ સખત કરકસર કરવામાં આવી છે કૉંગ્રેસને મજબૂત પાયા ઉપર મૂકવા માટે ઓછામાં ઓછા ૨,૦૦૦ પાઉંડની જરૂર છે.

[મૂળ અંગ્રેજી]

સાબરમતી સંગહાલયમાંની નકલ ઉપરથી