આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ગાંધીજીનો અક્ષરદેહ

નહીં આપે, સાક્ષી અસગારાની તપાસ, ઊલટતપાસ અને ફેરતપાસ દરમિયાન કૉંગ્રેસનું તો નામ સિક્કે દેવામાં આવ્યું નહોતું ફેરતપાસ પૂરી થઈ ગયા બાદ મૅજિસ્ટ્રેટે એ સાક્ષીને કૉંગ્રેસ બાબતમાં સવાલો પૂછયા. આ સવાલજવાબો ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે જે અઠવાડિયા દરમિયાન ધાકધમકી અપાયાનું અનુમાન કરવામાં આવ્યું હતું તે અઠવાડિયા દરમિયાન કૉંગ્રેસની એકે સભા ભરાઈ નહોતી. મુકદ્દમામાં બે છાપેલા પરિપત્રો રજૂ કરવામાં આવ્યા હતા, તેમાંનો એક ૧૪મી ઓગસ્ટનો હતો અને બીજો ૧૨મી સપ્ટેમ્બરનો હતો. સભ્યોને આ સૂચવાયેલી તારીખો પછીના મંગળવારોએ એટલે ૨૦મી ઓગસ્ટ અને ૧૭મી સપ્ટેમ્બરને દિવસે સભામાં હાજર રહેવા આમંત્રણ અપાયું હતું.

એવો આક્ષેપ છે કે ધાકધમકી અપાઈ હોવાનો બનાવ ૧૨મી ઓગસ્ટે બન્યો હતો. તે દિવસે સાક્ષીને મહમદ કમરુદ્દીને, મૂસાની ઓફિસે બોલાવી મંગાવ્યો હોવાનું કહેવાય છે, જે જગ્યાએ એમ. સી. કમરુદ્દીન, દાદા અબદુલ્લા, દાઉદ મહમદ અને બે કે ત્રણ અજાણ્યા માણસો હાજર હતા. અહીં તેને મુકદ્દમા વિષે અમુક પ્રશ્નનો પૂછવામાં આવ્યા એવું મનાય છે. અને સાક્ષીએ એવી મતલબની જુબાની આપી કે કૉંગ્રેસની સભાઓ મૂસાની ઓફિસમાં નથી ભરવામાં આવતી, મૂસાની ઑફિસે મળવા માટે એને આમંત્રણ આપતો કોઈ પરિપત્ર કાઢવામાં આવ્યો નહોતો, પરિપત્રો પ્રમાણે બોલાવાયેલી સભાઓમાં તેણે હાજરી નથી આપી, કૉંગ્રેસની સભાઓ કૉંગ્રેસ હોલમાં ભરવામાં આવે છે, પરિપત્રોને આ મુકદ્દમા સાથે કશી લેવાદેવા નથી અને કૉંગ્રેસની ખરી સભાઓમાં તે હાજર રહ્યો નહોતો, છતાં મેજિસ્ટ્રેટે આ વાતને કૉંગ્રેસની સાથે જોડી દીધી છે.

મૅજિસ્ટ્રેટનાં અનુમાનોનું સમર્થન કરવામાં જે માત્ર એક મુદ્દાનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાયો હતો તેની હકીકત એવી હતી કે મૂસાની ઓફિસે હાજર રહ્યા હોવાનું કહેવાય છે તે છ કે સાત માણસોમાંથી ત્રણ માણસો કૉંગ્રેસના સભ્યો હતા.

આ બાબત સાથે સંબંધ ધરાવતી જુબાનીમાંથી આ સાથે હું કેટલાક ઉતારા સામેલ કરું છું.

હું એટલું જણાવવાની હિંમત કરું છું કે એક યા બીજી રીતે મૅજિસ્ટ્રેટનું મન પૂર્વગ્રહથી ભરેલું હતું. પુનુસ્વામી પાથેર અને બીજા ત્રણ જણના મુકદ્દમામાં સહેજ પણ સાબિતી સિવાય, ચુકાદો આપવાનાં કારણોમાં એમણે ટીકા કરી છે કે પ્રતિવાદીઓ કૉંગ્રેસના સભ્યો છે અને તેનો તેમને ટેકો છે. સાચી હકીકત એ છે કે તેમનામાંના બધા કૉંગ્રેસના સભ્યો નથી અને એ બાબત સાથે કૉંગ્રેસને કશી લેવાદેવા નથી. રંગાસામીના મુકદ્દમામાં મિ. મિલરને મારા તરફથી સલાહ આપવા બાબતમાં કાગનો વાઘ કરવામાં આવ્યો છે, એટલે હું એટલું કહું કે પુનુસ્વામી અને બીજાઓના મુકદ્દમા સાથે મારે કશો પણ સંબંધ નહોતો તેમ જ મુકદ્દમો છેવટને તબક્કે ખૂબ આગળ વધી ગયો ત્યાં સુધી હું જાણતો નહોતો કે આવો કોઈ મુકદ્દમો અસ્તિત્વમાં પણ છે. જ્યારે રંગાસામી ઉપર તેના તે ગુના માટે બીજી વારનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે મારી દરમિયાનગીરીની માગણી કરવામાં આવી અને તે પણ કૉંગ્રેસના માનદ મંત્રીની હેસિયતથી નહીં પણ એક વકીલ તરીકે હતી.

સરકારને હું ખાતરી આપવા માગું છું કે કૉંગ્રેસના વ્યવસ્થાપકોનો હેતુ એ સંસ્થાને સંસ્થાનમાંની બન્ને કોમોને ઉપયોગી સંસ્થા બનાવવાનો છે અને તેને હિંદીઓ ઉપર અસર કરનારા પ્રશ્નનો વિષેની તેમની લાગણીઓને ઓળખવાનું અને સમજવાનું વાહન બનાવવાનો