આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬८
ગાંધીજીનો અક્ષરદેહ

૧૦. અને, જો હિંદી 'કુલી' "યુરોપિયનો સાથે કોઈ પણ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો નથી.” તો પછી તમારા અરજદારો નમ્રપણે પૂછે છે કે ગિરમીટ નીચેના હિંદીઓ માટે શાંતિમાં અને સ્વતંત્રપણે પ્રામાણિક રોટી કમાવાનું મુશ્કેલ બનાવે એવો કાનૂન બનાવવાનું ઔચિંત્ય કયાં રહ્યું? એ ઔચિંત્ય ખરેખર ગિરમીટ નીચેના હિંદીઓના ખાસ હોય એવા કોઈ ગુણોમાં રહેલું નથી જે તેમને સમાજના ભયંકર સભ્યો બનાવી મૂકતા હોય. હિંદી પ્રજાની શાંતિપ્રિયતાની ખાસિયત અને તેનો નમ્રતાનો ગુણ જાણીતો છે. તેમના માથેના અધિકારીઓ પ્રત્યેનું તેમનું આજ્ઞાપાલન તેમના ચારિત્ર્યનું નાનુંસૂનું લક્ષણ નથી, અને એથી ઊલટું કહેવાનું કમિશનના સભ્યો માટે બની શકશે નહીં; કારણ કે જે સભ્યોમાંના એક હતા એવા સંરક્ષક તેમના હેવાલના એ જ પુસ્તકમાં પા. ૧૫ ઉપર કહે છે :

હું જાણું છું કે અનેક માણસો હિંદીઓની એક જાતિ તરીકે નિંદા કરે છે. છતાં આ લોકો જો તેઓ પોતાની આજુબાજુ નજર કરશે તો આ હિંદીઓમાંના સેંકડોને તેમના જુદા જુદા ઉપયોગી અને ઇચ્છવાજોગ ધંધાઓ પ્રામાણિકપણે અને શાંતિથી પાર પાડતા જોયા વિના રહેશે નહીં.
* * *
એટલું કહી શકવા બદલ મને આનંદ થાય છે કે સંસ્થાનમાં સામાન્ય રીતે રહેતા હિંદીઓ હજી પણ સમાજનું સમૃદ્ધિવાન, સાહસિક અને કાનૂન પાલક અંગ બની રહે છે.

૧૧. આ બિલના બીજા વાચનની રજૂઆત વખતે નામદાર એટર્ની જનરલે એવું કહ્યાનો હેવાલ છે કે:

કોઈ પણ ઉદ્યોગને નુકસાન થાય એ રીતે મજૂરોને દાખલ કરવામાં દરમિયાનગીરી કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ આ હિંદીઓને અહીં સ્થાનિક ઉદ્યોગોની ખિલવણી માટે મજૂરો પૂરા પાડવાના હેતુથી લાવવામાં આવ્યા હતા, અને નહીં કે જુદાં જુદાં રાજ્યોમાં ઊભા થતા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રના એક અંગરૂપ બનવાના હેતુ માટે.

૧૨. વિદ્રાન એટર્ની જનરલ પ્રત્યે ભારેમાં ભારે માન સાથે તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે ઉપરની ટીકા ચર્ચા નીચેની કલમોને સંપૂર્ણપણે વખોડી કાઢે છે અને તેઓ એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે નામદાર સમ્રાજ્ઞીની સરકાર બિલને મંજૂરી આપીને આવી ટીકાનું સમર્થન કરશે નહીં.

૧૩. તમારા અરજદારો એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે જે કાનૂનો માણસોને કાયમની ગુલામી નીચે રાખવાના વલણવાળા હોય તેમને ચલાવી લેવાનું બ્રિટિશ બંધારણની ભાવનાની વિરુદ્ધનું છે. અમારું કહેવું એવું છે કે જો બિલ કાનૂન બનશે તો એ સ્પષ્ટ જ છે કે તે એવું જ પરિણામ લાવશે.

૧૪. ૧૮૯૫ની સાલના મેની ૧૧મી તારીખનું સરકારી મુખપત્ર धि नाताल मर्क्युरी આ પ્રમાણે આ બિલનું સમર્થન કરે છે:

આમ છતાં, સરકાર આટલી વાત મંજૂર રાખી શકતી નથી કે જે માણસો વાજબી મજૂરીના દર સાંસ્થાનિકોને મદદ કરવાના કરાર કરે છે તેમને એ કરારનો ભંગ કરવા દેવામાં આવે અને જેમની સેવા કરવાને તેઓ આવ્યા હતા અને બીજા કોઈ પણ હેતુ માટે કે બીજી કોઈ પણ શરતે નહોતા આવ્યા તે સાંસ્થાનિકો સામે હરીફ તરીકે રહેવા દેવામાં આવે.