આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
ગાંધીજીનો અક્ષરદેહ

પ્રવેશ મેળવવો એવો થવાનો હોય તો રાજદ્વારી સત્તા હાંસલ કરવાનું સંપૂર્ણ રીતે અશકય છે. આવાં કથન પાછળ એવી ધારણા રહેલી છે કે સંસ્થાનમાં અંગ્રેજી ભાષાનું ઊંચું જ્ઞાન ધરાવતા ઘણા તવંગર હિંદીઓ મોજૂદ છે. આમ જોઈએ તો સંસ્થાનમાં પૈસાપાત્ર હિંદીઓની વાત અલગ રાખીએ તો બહુ ઓછા તવંગર હિંદીઓ છે અને એક ધારાસભ્યની ફરજો અદા કરવાને શક્તિમાન હોય એવો તો કદાચ એકે નહીં હોય. અને તેનું કારણ રાજકારણ સમજવાને કોઈ પણ શક્તિમાન નથી એ નથી પણ એક ધારાસભ્ય પાસે આશા રાખી શકાય એવું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવનાર કોઈ નથી એ છે. બીજું કથન એ સંસ્થાનમાંના હિંદુઓને મુસલમાનો સાથે લડાવી મારવાનો પ્રયાસ છે. સંસ્થાનમાંનો કોઈ પણ જવાબદાર માણસ આવી આપત્તિની આકાંક્ષા જ કેવી રીતે રાખી શકે એ વાત ઘણી જ આશ્ચર્યકારક છે. હિંદુસ્તાનમાં આવા પ્રયાસોનાં પરિણામો બહુ જ ખતરનાક આવ્યાં છે અને તેનાથી બ્રિટિશ અમલનું કાયમીપણું સુધ્ધાં ભયમાં મુકાયું છે. આ સંસ્થાનમાં, જયાં બંને વગે ખૂબ જ ભાઈચારાથી સાથે રહેલા છે ત્યાં આવા પ્રયાસો કરવા એ ખૂબ જ નુકસાનકારક છે.

બધાં હિંદીઓને મતાધિકારમાંથી બાદ રાખવા એ ભારે અન્યાયભરેલું થશે એ વાત હવે સ્વીકારવામાં આવે છે એ એક તંદુરસ્ત ચિહ્ન છે. કેટલાક લોકોનો એવો ખ્યાલ છે કે કહેવાતા આરબોને મતાધિકાર અપાવો જોઈએ, કેટલાક માને છે કે એમનામાંથી પસંદગી કરવી જોઈએ અને બીજા કેટલાક માને છે કે ગિરમીટિયા હિંદીઓને કદી પણ મતાધિકાર મળવો નહીં જોઈએ. છેલ્લું સૂચન સ્ટેગરનું છે, અને તે ખૂબ જ વિનોદભર્યું છે. જો એ સૂચન પ્રમાણે વર્તવામાં આવે તો માત્ર તે જ લોકોને નાતાલમાં મતનો અધિકાર મળી શકશે, જેઓ પોતે હિંદુસ્તાનમાં મતના અધિકારી હતા એવું સાબિત કરી શકે, માત્ર ગરીબ હિંદીઓ માટે જ આવો નિયમ શા માટે? જો એ વ્યવસ્થા સૌ કોઈને લાગુ પડતી હોત તો તેઓ એનો વાંધો લેત એવું હું નથી માનતો. અને આવા સંજોગેામાં સંસ્થાનમાં મતદારોની યાદી ઉપર નામો ચડાવવામાં જો યુરોપિયનો પણ મુસીબત અનુભવે તો તેથી મને આશ્ચર્ય નહીં થશે, કારણ કે સંસ્થાનમાં એવા કેટલા યુરોપિયનો છે જેમનાં નામો જે રાજયોમાંથી તેઓ આવ્યા છે ત્યાંની મતદારની યાદી પર ચડેલાં હોય? પરંતુ જો આ વિધાન યુરોપિયનોની બાબતમાં કરવામાં આવ્યું હોત તો એની સામે સખતમાં સખત રોષ પ્રગટ કરવામાં આવ્યો હોત. હિંદીઓની બાબતમાં એને ગંભીરપણે સ્વીકારી લેવામાં આવ્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે હિંદીઓ 'એક હિંદીને એક મત' માટે આંદોલન ચલાવે છે. મારું કહેવું એ છે કે આ કથન બિલકુલ નાપાયાદાર છે, અને તેનો હેતુ હિંદી કોમ સામે નાહકનો પૂર્વગ્રહ ઊભો કરવાનો છે. હું માનું છું કે હાલનું મિલકત અંગેનું લાયકાતનું ધોરણ કાયમને માટે નહીં તો કાંઈ નહીં તો હાલને માટે યુરોપિયન મતોનું ઊંચું સંખ્યાબળ જાળવી રાખવાને પૂરતું છે, પરંતુ, જો યુરોપિયન સાંસ્થાનિકોનો ખ્યાલ જુદો હોય તો હું માનું છું કે કોઈ પણ હિંદી બુદ્ધિપુર:સરની અને સાચી કેળવણીની લાયકાત સામે અને હાલ છે એના કરતાં વધારે મોટી મિલકતની યોગ્યતા સામે વાંધો લેશે નહીં. હિંદીઓ જે વાતનો વાંધો લે છે અને લેશે તે છે રંગભેદ કે જાતિભેદના ધોરણે ઊભી કરાયેલી ગેરલાયકાત. સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને ખૂબ જ ગંભીરતાથી વારંવાર બાંયધરી આપવામાં આવી છે કે જાતિને કે ધર્મને કારણે તેમના ઉપર કોઈ પણ જાતની ગેરલાયકાતો કે નિયંત્રણો મૂકવામાં આવશે નહીં. અને આ બાંયધરી કોઈ લાગણીનાં કે ભાવનાનાં કારણોસર નહીં પણ લાયકાતની સાબિતીને કારણે અપાઈ હતી અને તેનું