આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
હિંદી મતાધિકાર

પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું. આશ્વાસનનો પ્રથમ સૂર એ પછી કાઢવામાં આવ્યો હતો જયારે નિ:શંક રીતે એ વાતની ખાતરી કરી લેવામાં આવી હતી કે કોઈ પણ ભય વિના હિંદીઓ જોડે સમાનતાના ધોરણે વર્તાવ રાખી શકાય એમ છે, તેઓ રાજ્યને ખૂબ જ વફાદાર તથા કાનૂનનું પાલન કરનારા છે અને બીજી કોઈ નહીં પણ માત્ર આ જ શરતોને આધારે હિંદુસ્તાન ઉપરનો બ્રિટિશ રાજ્યનો કાબૂ કાયમને માટે જાળવી રાખી શકાય એમ છે. એટલું હું જણાવું કે ઉપરની બાંયધરીમાં ગંભીર ક્ષતિઓ આવી છે એ કાંઈ એના અસ્તિત્વની નક્કર હકીકતના નકારરૂપે હોઈ નહીં શકે. હું ધારું છું કે આ ક્ષતિઓ એ નિયમરૂપ બાંયધરીને સાબિત કરવા માટેના અપવાદો જ રહેશે, તે કાંઈ એને બાજૂએ મૂકી નહીં દે. કારણ કે જો મારી પાસે પૂરતો સમય અને પૂરતી જગ્યા હોત અને જે વાચકોની ધીરજની કસોટી કરવાનો ડર મને નહીં હોત તો હું એવા સંખ્યાબંધ દાખલાઓ ટાંકી શકું જેમાં ૧૮૫૮ના ઢંઢેરાનું સખતાઈથી પાલન કરવામાં આવ્યું હોય અને હાલની ઘડીએ પણ હિંદુસ્તાનમાં અને બીજી જગ્યાએ એનું પાલન થઈ રહ્યું છે, અને નક્કી આ પ્રસંગ કાંઈ એમાંથી ચળવા માટેનો નથી. એટલે મને કહેવા દો કે હિંદીઓ જાતિવિષયક ગેરલાયકાતો સામે વિરોધ કરવાને અને તેમનો વિરોધ માન્ય થશે એવી અપેક્ષા રાખવાને પૂરેપૂરા વાજબી ઠરે છે. આટલું કહ્યા બાદ, હું મારા સાથી બંધુઓ તરફથી ખાતરી આપું છું કે તેઓ મતાધિકાર બાબતના એવા કોઈ કાનૂન સામે વાંધો ઉઠાવવાનો વિચાર નહીં કરશે, જે મતદારોની યાદી પરથી વાંધાભરેલા માણસોને દૂર રાખવા માટે અથવા, ભવિષ્યમાં હિંદીઓની મતસંખ્યા સૌથી મોટી નહીં થઈ જાય તેની સામે જોગવાઈ કરવા માટે યોજવામાં આવ્યો હોય. મારો વિશ્વાસ છે કે જે અજ્ઞાન હિંદીઓ પાસેથી તેઓ મતની કિંમત કદાચ સમજે એવી અપેક્ષા પણ નહીં રાખી શકાય. તેમને મતદારોની યાદી ઉપર ચડાવવામાં આવે એ જોવાની હિંદીઓની ઈચ્છા નથી. એમનું કહેવું એવું છે કે બધા એવા નથી, અને વત્તેઓછે અંશે એવા લોકો બધી જ જાતિઓમાં મળી આવે છે. દરેક સાચી રીતે વિચાર કરનારા હિંદીનો ઉદ્દેશ બની શકે ત્યાં સુધી યુરોપિયન સાંસ્થાનિકોની ઇચ્છાઓને અનુકૂળ થવાનો છે. તેઓ યુરોપિયન અને બ્રિટિશ સાંસ્થાનિકોની સામે થઈને આખો રોટલો લેવાને બદલે તેમાંથી ટુકડો જતો કરવાનું પસંદ કરશે. આ વિનંતીનો હેતુ કાનૂન ઘડનારાઓ અને યુરોપિયન સાંસ્થાનિકોને એવી પ્રાર્થના કરવાનો છે કે તેઓ જરૂર હોય તો એવો જ કાનૂન ઘડે અથવા એવા જ કાનૂનનું સમર્થન કરે કે જે એની અસર નીચે આવનારાઓને પણ મંજૂર હોય. સ્થિતિને વધારે સ્પષ્ટ કરવાને આ પ્રશ્ન વિષે સૌથી આગળપડતા સાંસ્થાનિકોએ શો વિચાર કર્યો છે તે હું એક સરકારી હેવાલમાંથી ઉતારા આપીને બતાવવાની છૂટ લઈશ.

પાછલી વિધાનસભાના એક સભ્ય, મિ. સૉન્ડર્સ ફક્ત આટલે સુધી જઈ શકતા હતા:

આ સહીઓ આખી હોવી જોઈએ, તે મતદારના પોતાના હસ્તાક્ષરમાં અને યુરોપિયન લિપિમાં હોવી જોઈએ, માત્ર આવી વ્યાખ્યા, એશિયાટિક માનસ અંગ્રેજ માનસને ગળી જશે એવા એક છેડેના જોખમને ખાળવામાં ઘણી મદદગાર થશે. (अफेर्स ऑफ नाताल,સી.: ૩૭૯૬-૧૮૮૩)

એ જ પુસ્તકના પા. ૭ ઉપર વસાહતીઓના માજી સંરક્ષક (પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ) કૅપ્ટન ગ્રેવ્ઝ કહે છે :

હું એવો અભિપ્રાય ધરાવું છં કે જે હિંદીઓએ પોતાનો તથા પોતાનો કુટુંબનો ભાડું ભર્યા સિવાય હિંદુસ્તાન પાછા ફરવાનો દાવો જતો કર્યો છે તેઓ જ મતાધિકારના વ્યાજબી રીતે હકદાર છે.