આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
ગાંધીજીનો અક્ષરદેહ

એ વાતનો અહીં ખ્યાલ રહેવો જોઈએ કે કૅપ્ટન ગ્રેવ્ઝે આ શબ્દો એના ખાતાએ માન્ય રાખેલા હિંદીઓ એટલે ગિરમીટિયા હિંદીઓ વિષે કહ્યા છે.

ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અને હાલના મુખ્ય ન્યાયાધીશ કહે છે :

એ વસ્તુ દેખાઈ આવશે કે મેં જે કાનૂનનો ખરડો તૈયાર કર્યો છે તેમાં પ્રવર સમિતિની ભલામણો ઉપરથી લેવામાં આવેલી કલમો સમાવવામાં આવી છે. એ કલમોમાં મિ. સૉન્ડર્સના પત્રમાં જણાવાયેલી યોજનાઓમાંની એક યોજના અમલમાં મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, જયારે પરદેશીઓને ખાસ રીતે અયોગ્ય ઠરાવવા માટેની દરખાસ્ત સ્વીકારવાનું સલાહભર્યું મનાયું નથી.

એ જ પુસ્તકના પા. ૧૪ ઉપર તેઓ ફરીથી કહે છે :

સંસ્થાનના સામાન્ય કાનૂન નીચે બધી રીતે નહીં આવતી હરેક રાષ્ટ્રની કે જાતિની બધી વ્યક્તિઓને મતાધિકારના હકમાંથી વંચિત રાખવાની દરખાસ્તની વાત કરીએ તો આ જોગવાઈ સ્પષ્ટ રીતે જ આ સંસ્થાનની હિંદી અને ક્રિઓલ વસ્તી હાલમાં જે મતનો અધિકાર ભોગવી રહી છે તેના ઉપર હુમલો કરે છે. આ પહેલાં મેં ક્રમાંક ૧૨ના મારા હેવાલમાં કહ્યું જ છે તેમ હું આ પ્રકારના કાનૂનનું વાજબીપણું કે ઉપયોગિતા માન્ય કરી શકતો નથી.

આ સરકારી હેવાલ મતાધિકારના સવાલ ઉપર ઘણું રસપ્રદ વાચન પૂરું પાડે છે અને તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે વખતે ખાસ ગેરલાયકાતનો વિચાર સાંસ્થાનિકોને અપ્રિય હતો.

મતાધિકાર સંબંધમાં ભરવામાં આવેલી અનેક સભાઓના હેવાલો ઉપરથી દેખાય છે કે વક્તાઓએ એકસરખી એવી દલીલો કરી છે કે જે દેશ યુરોપિયનોનું લોહી રેડીને જિતાયો છે અને જે આજે જેવો છે તેવો યુરોપિયનોને હાથે સર્જાયો છે તેનો કબજો હિંદીઓને કરવા દેવામાં આવશે નહીં. એ હેવાલો પરથી એ પણ દેખાય છે કે આ સંસ્થાનમાં હિંદીઓ પ્રત્યે વિના આમંત્રણે ઘૂસી આવનાર તરફ રાખવામાં આવે એવો વર્તાવ રખાય છે. આમાંની પહેલી વાત વિષે હું એટલું જ કહી શકું કે હિંદીઓએ આ દેશ માટે પોતાનું લોહી રેડ્યું નથી એટલા ખાતર જો તેમને કોઈ પણ ખાસ હકો અપાવાના ન હોય તો પછી યુરોપમાંનાં બીજાં રાજયોમાંથી આવેલા યુરોપિયનોને પણ તેવા હકો મળવા નહીં જોઈએ. એવી પણ દલીલ કરી શકાય કે ઇંગ્લંડથી આવનારા પ્રવાસીઓએ પણ પ્રથમ આવેલા ગોરા રહેવાસીઓના ખાસ રક્ષવામાં આવેલા હકો ઉપર તરાપ મારવી નહીં જોઈએ, અને એ વાત નક્કી છે કે જો લોહી રેડવાની શરતને લાયકાતનું ધોરણ માનવામાં આવે અને જો બ્રિટિશ સાંસ્થાનિકો બીજાં બ્રિટિશ સંસ્થાનોને બ્રિટિશ સામ્રાજયના અંગ તરીકે માનતા હોય તો હિંદીઓએ બ્રિટિશ રાજ્ય માટે અનેક પ્રસંગોએ તેમનું લોહી રેડયું છે. ચિત્રાલની લડાઈ એ એનો સૌથી તાજો દાખલો છે.

સંસ્થાનનું ઘડતર યુરોપિયનોને હાથે થયું છે અને હિંદીઓ ઘૂસી આવનારા છે એ સંબંધમાં હું એવું કહેવા માગં છું કે બધી જ હકીકતો આનાથી તદ્દન ઊલટી જ વાત સાબિત કરે છે.

મારા પોતા તરફથી કોઈ પણ ટીકા-ટિપ્પણ કર્યા સિવાય હવે હું ઉપર દર્શાવાયેલા હિંદી વસાહતી કમિશનના હેવાલમાંથી ઉતારાઓ ટાંકીશ. જે હેવાલ જોવા આપવા માટે હું પ્રવાસીઓના સંરક્ષકનો આભારી છું.