આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
ગાંધીજીનો અક્ષરદેહ

એ હોવો જોઈએ કે આ બંને કોમો વચ્ચે સંતોષકારક સંબંધો કેવી રીતે સ્થાપી શકાય. સૌથી સ્વાર્થી દૃષ્ટિબિંદુથી પણ, મને કહેવા દો કે હિંદીઓ પ્રત્યે દુશ્મનાવટ અને દ્વેષનું વલણ રાખવામાંથી કાંઈ પણ સારું પરિણામ આવી નહીં શકે સિવાય કે પોતાના પડોશી પ્રત્યે પોતાના મનમાં મૈત્રીવિરોધી લાગણી જન્માવવામાં કાંઈ આનંદ આવતો હોય. આવી નીતિ બ્રિટિશ બંધારણને અને બ્રિટિશ પ્રજાની ન્યાય અને ઉચિત વ્યવહારની સમજને પ્રતિકૂળ છે. અને સૌથી વિશેષ એ હિંદી મતાધિકાર સામે વાંધો લેનારાઓ જેનો દાવો કરે છે એવા ખ્રિસ્તી ધર્મની ભાવનાની દ્રોહી છે.

હું અખબારોને, દક્ષિણ આફ્રિકાભરના જાહેર જનતાના સેવકોને અને ધર્મગુરુઓને ખાસ ભારપૂર્વક વિનંતી કરું છું : લોકમત તમારા હાથમાં છે. તમે જ એને ઘડો છો અને માર્ગદર્શન આપો છો. અત્યાર સુધી અખત્યાર કરવામાં આવેલી નીતિ જ ચાલુ રાખવી બરાબર અને યોગ્ય છે કે કેમ એ તમારે વિચારવાનું છે. અંગ્રેજ તરીકે તથા લોકમતના અગ્રણીઓ તરીકે તમારી ફરજ બંને કોમોમાં ફૂટ પડાવવાની નહીં પરંતુ તેમને સાથે લાવી એક કરવાની છે.

હિંદીઓમાં અનેક દોષો રહેલા છે, અને બેશક, તેઓ બંને પ્રજાઓ વચ્ચે આજે લાગણીઓની જે અસંતોષકારક દશા પ્રવર્તે છે તેને માટે કેટલેક અંશે જવાબદાર છે.

વારંવાર મેં અખબારોમાં વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે કે હિંદીઓને કોઈ પણ બાબતમાં કશી ફરિયાદ કરવાની નથી. હું કહું છું કે ન તો તમે કે ન તો અહીંના હિંદીઓ નિષ્પક્ષ અભિપ્રાય બાંધવાને શક્તિમાન છે. એટલે હું તમારું ધ્યાન સંપૂર્ણપણે બહારના જાહેર મત તરફ, ઇંગ્લંડ અને હિંદનાં અખબારો તરફ દોરું છું. આ જાહેર મત, હિંદીઓ પાસે ફરિયાદનાં વજૂદવાળાં કારણો છે. એવા નિર્ણય ઉપર આવવામાં લગભગ એકમત છે. અને આ બાબતમાં હું અનેક વાર થયેલાં એ કથનનો અસ્વીકાર કરું છું કે આ બહારનો અભિપ્રાય દક્ષિણ આફ્રિકામાંથી હિંદીઓએ મોકલેલા અતિશયોક્તિભર્યા હેવાલો ઉપર નિર્ભર છે. ઇંગ્લંડ અને હિંદમાં મોકલાતા હેવાલો વિષે કાંઈક જાણવાનો દાવો હું કરું છું. એને આધારે મને એટલું કહેતાં સંકોચ નથી થતો કે મોકલવામાં આવેલા હેવાલોમાં લગભગ હમેશાં ભૂલ અલ્પોક્તિ કરવાની થઈ છે. એવું એકે વિધાન કરવામાં નથી આવ્યું જેનું સમર્થન દોષરહિત પુરાવાઓ વડે નહીં થઈ શકે. પણ સૌથી નોંધપાત્ર બીના તો એ છે કે જે હકીકતોને સ્વીકારી લેવામાં આવી છે તેની બાબતમાં કોઈ મતભેદને સ્થાન નથી. આ સ્વીકારી લેવામાં આવેલી હકીકતો ઉપર આધાર રાખતો બહારનો અભિપ્રાય એ છે કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે સલૂકાઈનો વર્તાવ રાખવામાં આવતો નથી. હું ઉદ્દામ મત ધરાવતા અખબાર, धि स्टारમાંથી લીધેલો માત્ર એક ઉતારો રજૂ કરીશ. જગતના સૌથી સૌમ્ય અખબાર धि टाइम्सનો અભિપ્રાય દક્ષિણ આફ્રિકામાં દરેક જણને જાણીતો છે.

૧૮૯૫ની સાલના ઓકટોબરની ૨૧મી તારીખનું धी स्टार, મિ. ચેમ્બરલેન પાસે પહોંચેલા પ્રતિનિધિમંડળ વિષે નોંધ લખતાં કહે છે :

બ્રિટિશ હિંદી પ્રજાજનો ઉપર જે ધૃણાજનક સિતમો ગુજરી રહ્યા છે તેને ખુલ્લા પાડવાને આ વિગતો પૂરતી છે, નવું હિંદી વસાહતી કાનૂન સુધાર વિધેયક જેનો ઉદ્દેશ હિંદીઓને લગભગ ગુલામીની દશાએ મૂકી દેવાનો છે એ બીજું ઉદાહરણ છે. એ વિધેયક એક ભયંકર અન્યાય, બ્રિટિશ પ્રજાજનોની માનહાનિ, એના ઘડવૈયાઓને માટેનું એક લાંછન અને ખુદ અમારા ઉપરનું એક કલંક છે. દરેક અંગ્રેજ એ વસ્તુ જોવાને સજગ છે કે તે દક્ષિણ આફ્રિકાના વેપારીઓના વાણિજ્યલોભને એવા લોકો ઉપર તીવ્ર