આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ગાંધીજીનો અક્ષરદેહ


વચન આપવાને કેવી રીતે સમજાવી એ તમારા અરજદારો જાણવાનો દાવો કરતા નથી. પણ તમારા અરજદારો એવી આશા રાખે છે કે ગિરમીટિયા હિંદીઓને પક્ષે અહીં રજૂ કરેલા મામલા તરફ નામદાર સમ્રાજ્ઞીની સરકાર તથા હિંદી સરકાર તરફથી પૂરું ધ્યાન અપાશે અને એકપક્ષી કમિશનની રજૂઆતને આપવામાં આવેલી કોઈ પણ સંમતિને ગિરમીટિયા હિંદીઓના મામલા તરફ પૂર્વગ્રહ ઊભો કરવા દેવામાં આવશે નહીં.

૧૯. ઝટ ધ્યાન જઈ શકે એટલા ખાતર તમારા અરજદારો, નેક નામદાર વાઈસરૉયના નેક નામદાર નાતાલના ગવર્નરને મોકલેલા ૧૮૯૪ની સાલના સપ્ટેમ્બરની ૧૭મી તારીખના ખરીતામાંથી નીચેના ઉતારા રજૂ કરે છે :

મેં પોતે તો હાલમાં ચાલુ છે એ પદ્ધતિ જ ચાલુ રહે એ પસંદ કર્યું હોત, જેની નીચે ગિરમીટની મુદત પૂરી થતાં કોઈ પણ વસાહતીને માટે સંસ્થાનમાં પોતાને હિસાબે અને જોખમે વસવાટ કરવાની છૂટ છે. અને મને એવા વિચારો જોડે નહીં જેવી જ સહાનુભૂતિ છે કે જે તાજ નીચેની કોઈ પણ પ્રજાને બ્રિટિશ ધ્વજ નીચેના કોઈ પણ સંસ્થાનમાં વસવાટ કરતાં અટકાવે છે. પણ નાતાલ સંસ્થાનમાં હિંદી રહેવાસીઓ પ્રત્યે હાલમાં જે ભાવના દર્શાવાઈ રહી છે તે ધ્યાનમાં લેતાં કમિશનના સભ્યોએ પોતાના ૧૮૯૪ની સાલના જાન્યુઆરીની ૨૦મી તારીખના પ્રાર્થનાપત્રમાં રજૂ કરેલી આગલા પૅરેગ્રાફમાં નિર્દેશેલી (क થી च) દરખાસ્તોને, નીચે આપેલી જોગવાઈઓને આધીન રહીને સ્વીકારવાને હું તૈયાર છું, તે એવી કે:
(क) જયારે કોઈ કુલી કે મજૂર પ્રથમ ભરતી થાય છે ત્યારે તેણે તેના કરારની શરતો મુજબ તેની ગિરમીટની મુદત દરમિયાન કે તે પૂરી થાય કે તરત જ હિંદુસ્તાન પાછા ફરવું પડશે, સિવાય કે તે એ જ, શરતોએ ફરીથી ગિરમીટનો બીજો કરાર કરવાનું પસંદ કરતો હોય.
(ख) જે મજૂરો પાછા જવાની ના પાડે તેમને કોઈ પણ સંજોગોમાં ફોજદારી કાનૂનની સજાઓને આધીન કરવામાં નહીં આવવા જોઈએ, અને
(ग) બધા જ નવા કરારો બે વર્ષની મુદતના રહેશે, અને તેના કરારની પહેલી મુદતને છેડે તથા પાછળની દરેક નવી મુદતને છેડે વસાહતીને પાછા ફરવાના ભાડાની મફત સગવડ કરી આપવી જોઈએ.
નામદાર સમ્રાજ્ઞીની સરકારની સંમતિથી હાલની પદ્ધતિમાં હું જે કાંઈ ફેરફારો મંજૂર રાખવાને તૈયાર છું તેનો ટૂંકો સાર નીચે મુજબ આપી શકાય.[૧]

૨૦. તમારા અરજદારો રાહતની લાગણી સાથે એ વાતની નોંધ લે છે કે સમ્રાજ્ઞીની સરકારે હજી સુધી કમિશનના સભ્યોનાં સૂચનોને મંજૂર કર્યા નથી.

૨૧. ફરજિયાત પાછા ફરવાનો અથવા ફરી કરાર કરવાનો વિચાર જયારથી પ્રથમ શરૂ થયો ત્યારથી તેને અપનાવવામાં તે કેટલો ભારે અન્યાયભર્યો હતો એ વાત હજી વધારે સ્પષ્ટ કરવાને તમારા અરજદારો, ૧૮૮પની સાલમાં નાતાલમાં બેઠેલા વસાહતી કમિશનના હેવાલમાંથી અને તેની આગળ લેવાયેલી જુબાનીમાંથી ઉતારા આપવાની પરવાનગી ઇચ્છે છે.


  1. મૂળ લખાણ સાથે આ સાર આપેલ નથી.