આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
શાકાહારનો સિદ્ધાંત

ખરાબ રીતે નિષ્ફળ નીવડયાં છે ત્યાં અન્નાહારનો જવલંત વિજય થયો છે. સ્નાયુબદ્ધ કહેતાં કદાવર અન્નાહારીઓ પોતાના આહારનું ચડિયાતાપણું એ દર્શાવીને પુરવાર કરે છે કે જગતનો ખેડૂતવર્ગ લગભગ અન્નાહારી છે, અને સૌથી તાકાતવાન અને સૌથી ઉપયોગી પ્રાણી ઘોડો શાકાહારી છે જ્યારે સૌથી હિંસક અને લગભગ નિરુપયોગી પ્રાણી સિંહ એ માંસભક્ષક છે. અન્નાહારી નીતિવાદીઓને એ વાતનું દુ:ખ થાય છે કે પોતાની વિકારી અને રોગિષ્ટ ઇચ્છાઓને તૃપ્ત કરવાને માટે સ્વાર્થી માણસો ખાટકીનો ધંધો માણસના અમુક વર્ગને માથે ઓઢાડે છે જ્યારે તેઓ પોતે આવો ધંધો કરતાં એની ભયાનકતાથી બેબાકળા બની જાય છે. એ ઉપરાંત આ અન્નાહારી નીતિવાદીઓ આપણને એ વસ્તુ ખ્યાલમાં રાખવાને પ્રેમપૂર્વક વિનંતી કરે છે કે માંસવાળા ખોરાક અને દારૂની ઉત્તેજના વિના પણ આપણા કામવિકારોને સંયમમાં રાખવાનું અને સેતાનના પંજામાંથી બચી જવાનું આપણે માટે પૂરતું કઠણ છે એટલે આપણે માંસ અને દારૂ જે સાથોસાથ જનારી વસ્તુઓ છે તેનો આશ્રય લઈને એ મુસીબતોમાં વધારો નહીં કરીએ. કારણ કે એવો દાવો કરવામાં આવ્યો છે કે અન્નાહાર કે જેમાં રસાળ ફળોને સૌથી પહેલું સ્થાન છે, તે શરાબખોરીનો સૌથી સહીસલામત અને ખાતરીપૂર્વકનો ઈલાજ છે જ્યારે માંસાહાર એ ટેવને ઉત્તેજે છે અથવા તેમાં વધારો કરે છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે માંસાહાર શરીરને માટે બિનજરૂરી જ નહીં પણ હાનિકર પણ છે એ કારણે તથા એમાં નિર્દોષ પ્રાણીઓને બિનજરૂરી દુ:ખ આપવાનું તથા તેમના પ્રત્યે ક્રૂરતા બતાવવાનું સમાયેલું છે એટલે એની ટેવ અનૈતિક તથા પાપમય છે. છેવટે અન્નાહારી અર્થશાસ્ત્રી વિરોધ થવાના ભય વિના ભારપૂર્વક કહે છે કે અન્નાહારની વસ્તુઓ સૌથી સસ્તો ખોરાક છે અને જો સામાન્યપણે એનો ઉપયોગ કરવામાં આવે તો તે ભૌતિકવાદી સંસ્કૃતિની ઝડપી કૂચને અને થોડા લોકોના હાથમાં એકઠી થતી અઢળક સંપત્તિની સાથે સાથે ઝડપથી વધતી જતી કંગાલિયતને એકદમ દૂર નહીં કરી શકે તોપણ તેને ઓછી કરવામાં મદદરૂપ થશે. મને યાદ છે ત્યાં સુધી ડૉ. લુઈ કુન્હે અન્નાહારની જરૂરિયાતનો આગ્રહ માત્ર શારીરિક કારણોસર રાખે છે અને તેઓ નવશિખાઉ લોકોને કોઈ સૂચના આપતા નથી. એટલે તેમને માટે જદી જુદી જાતની અન્નાહારની ચીજોમાંથી યોગ્ય ચીજો પસંદ કરવાનું અને તેને સારી રીતે રાંધવાનું મુશ્કેલ બની જાય છે. મારી પાસે ૧ પેન્સથી માંડીને ૧ શિલિંગ સુધીની કિંમતની અન્નાહારની ચીજો રાંધવા અંગેની પસંદ કરેલી ચોપડીઓ છે, તેમ જ એનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતાં એ વિષય ઉપરનાં પુસ્તકો પણ છે. સૌથી સસ્તાં પુસ્તકો મફત વહેંચવામાં આવે છે. જો તમારા કોઈ વાચકો આ રોગ મટાડવાના નવા શાસ્ત્રને માત્ર દૂરથી વખાણવાને નહીં પણ એના નિયમોને વ્યવહારમાં ઉતારવાને ઉત્સુક હોય તો હું એમને તે બધાં પૂરાં પાડીશ. શાકાહારને સંબંધ છે ત્યાં સુધી એ વિષય ઉપર મારી પાસે બીજી જેટલી પુસ્તિકાઓ હશે તે પણ હું એની સાથે ઘણી ખુશીથી મોકલીશ. જે લોકો બાઈબલમાં શ્રદ્ધા ધરાવે છે તેમની વિચારણા માટે હું નીચેનો ઉતારો ટાંકું છું. “પતન” પહેલાં આપણે શાકાહારી હતા :

અને પરમાત્મા બોલ્યાઃ સાંભળો, આખી પૃથ્વીની સપાટી ઉપર બીજ ઉત્પન્ન કરનારી બધી વનસ્પતિ અને બીજ આપે એવાં ફળોવાળાં ઝાડો મેં તમને આપ્યાં છે, એ તમારા ભોજનને માટે છે, અને પૃથ્વી ઉપરનાં જેટલાં પશુ છે અને હવામાં જેટલાં પક્ષીઓ છે અને જે કાંઈ જીવજંતુ પૃથ્વી ઉપર પેટે ચાલે છે એ બધાંને ભોજન માટે મેં નાના નાના લીલા છોડ આપ્યા છે અને બધું એ પ્રમાણે થયું.