આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
મિ. ચેમ્બરલેનને અરજી

૨૨. કમિશનના સભ્યોમાંના એક મિ. જે. આર. સૉન્ડર્સ પોતાના વધારાના હેવાલમાં પોતાના વિચારો ભારપૂર્વક નીચેના શબ્દોમાં રજૂ કરે છે :

જોકે કમિશને એવો કાયદો પસાર કરવાની ભલામણ નથી કરી કે જે કાયદો હિંદીઓને પોતાની નોકરીની મુદત પૂરી થતાં ગિરમીટનો કરાર ફરી નહીં કરી આપ્યો હોય તો હિંદુસ્તાન પાછા ફરવાને ફરજ પાડે, તોપણ હું એવા કોઈ પણ વિચારને સખત રીતે વખોડી કાઢવા ઇચ્છું છું અને ખાતરીપૂર્વક મને એવું દેખાય છે કે જે અનેક લોકો આ યોજનાની તરફેણ કરી રહ્યા છે તેઓ એનો શો અર્થ થાય એ સમજશે ત્યારે મારા જેટલા જ જોરથી એને નામંજૂર કરશે, હિંદીઓના પ્રવેશને બંધ કરી દો અને તેનાં પરિણામોનો સામનો કરો, પણ જેને હું એક ભારે અન્યાય હોવાનું બતાવી આપી શકું એમ છું તે કરવાનો પ્રયાસ નહીં કરો.
આ વાત એ સિવાય બીજું શું છે કે (સારા તેમ જ ખરાબ બંને જાતના) નોકરો પાસેથી સારામાં સારો લાભ ઉઠાવવો, અને પછી તેમને તેમના કામનો બદલો માણવાની ના પાડવી ! જયારે એમના જીવનનો ઉત્તમ કાળ આપણા ફાયદા માટે ઉપયોગમાં લેવાઈ ગયો હોય ત્યારે તેમને બળજબરીથી (આપણાથી બની શકે તો, પણ આપણે તેમ કરી શકતા નથી) પાછા કાઢી મૂકવા, અને તે કયાં? ફરીથી તે ભૂખમરાની સંભાવનાનો સામનો કરવાને જેમાંથી તેમણે તેઓ જુવાન હતા ત્યારે છટકવાનો પ્રયાસ કર્યો હતો. શેકસપિયરના નાટકના શાઇલૉકની માફક આપણે જો શેર માંસ લેવા ચાહીશું તો તેની માફક જ તેને મળેલો બદલો ભોગવવા પણ આપણે તૈયાર રહેવું પડશે.
તમે ઇચ્છો તો હિંદીઓના પ્રવેશને રોકી દો; આજે જ ખાલી ઘરો પૂરતાં નહીં હોય તો આરબો અને હિંદીઓને કાઢીને વધારે ખાલી કરો; આ લોકો તેમાં રહે છે અને અર્ધાથી પણ ઓછા વસવાટવાળા દેશની ઉત્પાદનની અને વાપરવાની શક્તિમાં ઉમેરો કરે છે. પણ આપણે તપાસની આ એક બાબતનાં પરિણામોને, બીજી બાબતોના ઉદાહરણ તરીકે ગણીને જરા તપાસીએ. આપણે એ તપાસીએ કે કેવી રીતે ખાલી પડેલાં ઘરો મિલકત અને સરકારી લોનોના ભાવો ઘટાડી દે છે, આમાંથી કેવી રીતે બાંધકામના ધંધામાં અને એવા બીજા ધંધાઓ તથા તેના પર આધાર રાખતા પુરવઠા માટેની દુકાનોમાં મંદી લાવે છે. એ જુઓ કે કેવી રીતે આને પરિણામે ગોરા યાંત્રિકો માટેની માગણી ઘટવા પામે છે. અને આટલા બધા લોકોની ખર્ચ કરવાની શક્તિમાં મંદી આવવાથી પછી કેવી રીતે સરકારી આવકમાં તૂટ પડવાનો સંભવ ઊભો થાય છે અને તેમાંથી નોકરોની સંખ્યામાં કાપકૂપ કરવાની અથવા કર વધારો કરવાની અથવા બંનેની જરૂર ઊભી થાય છે. આ પરિણામનો અને વિગતે ગણતરી ન થઈ શકે એવાં બીજાં અસંખ્ય પરિણામોનો મુકાબલો કરો, અને જો આંધળા જાતિવિષયક લાગણીવેડા અગર જાતિદ્વેષનો જ વિજય થવાનો હોય તો તેમ થવા દો. સંસ્થાન હિંદીઓના પ્રવેશને રોકી શકે છે, અને તે કદાચ થોડા લોકપ્રિયતા પાછળ પડેલા લોકો ઇચ્છતા હોય તેનાથી પણ વધારે સહેલાઈથી અને કાયમી સ્વરૂપે રોકી શકે, પણ માણસોને તેમની નોકરીના છેવટના ભાગમાં બળજબરીથી ધકેલી કાઢવાનું કામ સંસ્થાન કરી નહીં શકે. અને હું એને એવો પ્રયાસ કરીને એક સારા નામને બટ્ટો નહીં લગાડવાનો આગ્રહ કરું છું.