આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૭૮. નાતાલ ઍસેમ્બલીને અરજી

ડરબન,


એપ્રિલ ૨૭, ૧૮૯૬


લોકસભાના કામે ભેગી મળેલી નાતાલની માનનીય ધારાસભાના માનનીય અધ્યક્ષ અને સભ્યો જોગ, પિટરમેરિત્સબર્ગ.

સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવીએ છીએ કે :

નાતાલમાં વસતી હિંદી કોમના પ્રતિનિધિ તરીકે અને તેના તરફથી અાપના અરજદારો આ માનનીય સભાગૃહને એની આગળ વિચારણા માટે રજૂ થયેલા મતાધિકાર કાનૂન સુધાર વિધેયક બાબતમાં નિવેદન કરે છે.

આપના અરજદારો એવું અનુમાન કરે છે કે આ વિધેયકનો હેતુ પૂરેપૂરો નહીં તો મોટે ભાગે, જેટલે અંશે તે સંસ્થાનમાંના હિંદીઓનો મતાધિકાર લઈ લેવાના હેતુવાળા ૧૮૯૪ના ૨૫ મા કાનૂનને નાબૂદ કરે છે અને તેની જગ્યા લે છે તેટલે અંશે હિંદી કોમ ઉપર અસર પાડવાનો છે.

જયારે ૧૮૯૪નો ૨૫ મો કાનૂન વિચારણા નીચે હતો એ વખતે આ જ વિષય ઉપર હિંદી કોમ તરફથી આ માનનીય સભાગૃહ સમક્ષ રજૂ કરેલી અરજીમાં[૧] એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિંદમાં હિંદીઓ ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવતા હતા.

આ વિધેયક એવા લોકોને મતાધિકારથી વંચિત કરે છે જેઓ મૂળમાં યુરોપિયન વંશના નથી અને પોતાના વતનના દેશમાં જેમની પાસે ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ નથી.

એટલે આ વિધેયકનો વિરોધ કરવામાં આપના અરજદારોની સ્થિતિ દુ:ખદ રીતે કઢંગી બની ગઈ છે.

છતાં, આ વિધેયક મોઘમ રીતે હિંદી મતાધિકારના પ્રશ્નની છણાવટ કરવાનો હેતુ ધરાવે છે તે જોતાં આપના અરજદારો એને વિષે પોતાના વિચારો માનપૂર્વક રજૂ કરવાની ફરજ સમજે છે અને વધારામાં એ પણ બતાવવાની ફરજ સમજે છે કે કયા કારણસર તેઓ માને છે કે હિંદમાં હિંદીઓ ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવે છે.

૧૮૯૨ના માર્ચની ૨૮મી તારીખે બ્રિટિશ લોકસભામાં હિંદી વિધાનપરિષદ કાનૂન (૧૮૬૧) સુધાર વિધેયકને બીજા વાચન માટે રજૂ કરતી વખતે તે વખતના ઉપ-ભારતમંત્રીએ કહ્યું હતું :

વિધેયકના ઉદ્દેશની સભાગૃહ આગળ ઝીણવટથી છણાવટ કરવાની હું મારી ફરજ સમજું છું. તે ઉદ્દેશ એ છે કે હિંદી સરકારના પાયાને મજબૂત બનાવવામાં આવે તથા તેનાં કાર્યોને વિસ્તૃત કરવામાં આવે, જેથી હિંદી સમાજમાંનાં બિનસરકારી અને દેશી તત્વોને સરકારી કામોમાં ભાગ લેવાની હાલ છે એના કરતાં વધુ તકો આપવામાં આવે, અને એ

  1. ૧. જૂન ૨૮ ૧૮૯૪ની અરજી, પા. ૧૯