આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧. નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ
ડરબન,


મે ૧૮, ૧૮૯૬


મિ. સી. બર્ડ
મુખ્ય ઉપ-મંત્રી
સંસ્થાન કાર્યાલય
પિટરમેરિત્સબર્ગ

સાહેબ,

નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ વિષે માનનીય પ્રધાનમંત્રીને લખેલા પત્રના જવાબમાં આપનો તા. ૧૬મીનો પત્ર ૨૮૩૭/૯૬ મને મળ્યો છે.

આ બાબતમાં હું એ જણાવવા ઈચ્છું છું કે કૉંગ્રેસની સભાઓ હમેશાં ઉઘાડે બારણે ભરવામાં આવે છે અને તેમાં છાપાંના માણસો તથા સામાન્ય જનતા આવી શકે છે. અમુક યુરોપિયન સજજનોને, જેમને વિષે કૉંગ્રેસસભ્યોને એવો ખ્યાલ છે કે તેમને સભાઓમાં રસ પડવા લાગ્યો છે, ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા હતા. એમાંના એક સજજને આમંત્રણ સ્વીકાર્યું પણ હતું અને તેમણે કૉંગ્રેસની સભામાં હાજરી આપી હતી. એક કે બે વખત આમંત્રણ વિનાના યુરોપિયન પ્રેક્ષકોએ પણ કૉંગ્રેસની સભાઓમાં હાજરી આપી છે.

કૉંગ્રેસના એક નિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે યુરોપિયનોને ઉપ-પ્રમુખો બનવા માટે આમંત્રણ આપવામાં આવે.એ મુજબ બે ગૃહસ્થોને તેઓ આ માન સ્વીકારશે કે નહીં તે વિષે પૂછવામાં આવ્યું હતું, પણ તેમની એવી ઇચ્છા જણાઈ નહીં. કૉંગ્રેસની કાર્યવાહીની મિનિટબુક નિયમિતપણે લખવામાં આવે છે.

આપનો આજ્ઞાંકિત સેવક


(સહી)મો. ક. ગાંધી


માનદ મંત્રી, નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ



[મૂળ અંગ્રેજી ]

સાબરમતી સંગ્રહાલયમાંની નકલ પરથી.