આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ઘરમાં તો જેમનું તેમ જ

ગાળો દે, ને નીચ કુટુંબની કેહે તે મુવા ઢૌવા, તું જોયા કર. મારે પેટે એનાથી તું પથ્થર પડ્યો હોત તોએ ઘણું સારું.” આ શબ્દ કેશવલાલને વજ્રબાણ જેવા લાગ્યા. તે એકદમ ધસ્યો ધસ્યો પોતાના ઓરડામાં ગયો. ઓરડામાં ગંગા ને તુળજા વાતો કરતાં હતાં, તેટલામાં જોરથી કેશવે બારણાને લાત મારી. ગંગાએ તરત બારણું ઉઘાડ્યું, પણ બારણાં વચ્ચે ગંગા આડી ઉભી રહી, “ગંગા, મને જવા દે, હું તારું કંઈ નથી સાંભળવાનો.” ઘણા ગુસ્સાથી કેશવે જવાના આગ્રહ સાથે કહ્યું.

“અને તેનું કંઈ કારણ ભાઈજી ?” ઘણી નમ્રતા સાથે અતિશય આર્જવથી ગંગાએ કેશવને શાંત પાડવાને કહ્યું, “મારું સાંભળો, પછી તમારી ઇચ્છા પ્રમાણે વર્તજો.”

“નહિ, એમ નહિ. ભાભી, તું પણ એના જેવી બની કે ? બસ, એ લડાઈના કાલબૂતને શિક્ષા કર્યા વિના મને જંપ વળવાનો નથી. રોજ રોજ લડાઈ ને ટંટો ? એ કેમ ખમાય ? ઘરમાં આવ્યા કે તમારો જ સંતાપ, ઘડીકનો જંપ જ નહિ, ખસ, બાજુએ ખસ ને એ કમજાતની દીકરીની મને સેવા કરવા દે ગંગા ! !” કેશવે પોતાને ગુસ્સા કહાડ્યો.

“ખબરદાર, મને કમજાતની દીકરી કહી તો ! માના શીખવ્યા પરથી મારી સામા થવા આવ્યા છે, પણ ખબર કહાડજો કે કોની કસૂર છે, પછી બોલજો.” તુળજાગવરીએ પોતાનું બાકીનું બોલવાનું પૂરું કીધું, “મને કમજાતની દીકરી ફરીથી કહેતા નહિ.”

“હું દશ વાર કહેવાની સત્તા ધરાવું છું. તારા મગજમાં ઘણો ધૂમાડો છે તે ઘડીના છઠ્ઠા ભાગમાં કાહાડી નાખીશ.” કેશવે કહ્યું.

“બહુ સારું ! આબરૂ તમારી વધશે. 'નબળો માટી બૈયરપર શૂરા' એ કહેવત તમને લાગૂ પડશે.”

કેશવને વધારે ગુસ્સે ચઢ્યો ને એકદમ ગંગાને હડસેલો મારીને તુળજા સામે ધસ્યો. તુળજા પોતાના ધણી સામા થવાને તૈયાર જ ઉભી હતી. કેશવે હાથમાંની લાકડીનો સપાટો લાવ્યો, પણ એકદમ