આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ગંગા–ગુર્જર વાર્તા


ગંગાએ ગ્લાસમાં ઔષધ આપ્યું, પણ પીતાં પીતાં બે તૃતીયાંશ ભાગ ઢોળાઇ ગયો, ને એક તૃતીયાંશ પીવામાં ગયો.

પીતાંની સાથે થાક ચઢવાથી પાછા ડોસા પડ્યા. ગંગા તેમના પડખામાં બેઠી હતી, તેણે પાસે જઇને બરાબર સુવાડ્યા, અને વળી વધારે વાત કરશે, એવા ભયથી બંને જણ ત્યાંથી ખસી જવા તૈયાર થયાં.

“ક્યાં જશો ?”

“અમે અહિયાં જ છીએ, સસરાજી !”

“ના, મારી પાસે બેસો.”

“હવે તમે જરાક ઊંઘી જાએ તો ઠીક.”

“હવે ઉંઘ કેવી ?”

“તમે નિશ્ચિંત જીવે ઉંઘશો તો કશી હરકત નથી.”

“બેહેન કમળી, બેટી ગંગા ! હવે મને ઉંઘ આવે ? રામ રામ કરો ! આપણી ઉંઘ તો હવે ગઈ. પણ મારે તમને કહેવું છે તે સાંભળો.”

“પિતાજી, સવારે નહિ સંભળાવાય ?”

“ના;” જરાક તરડાઇને જવાબ દીધો. પણ રખેને ગંગાને ખોટું લાગે તેટલા માટે એકદમ પાછું બેાલવું જારી કીધું. “ગંગા, હું ચીઢવાઇને જવાબ દઉં છું, તેથી તારા મનમાં ખોટું ન આણતી, હવે ઘરડાં ને ગાંડાં બરાબર છે.”

“સસરાજી એવા વિચાર શું કામ આણો છો ? મારા પિતાના ચીઢવાથી ખેદ આણું તો તમારા બોલવાથી ખેદ આણું; પણ હવે તમે ઉંઘો તે ઠીક.”

થોડીકવાર ડોસા પડી રહ્યા. અડધોક કલાક એમને એમ વહી ગયો, ને કમળી ભેાંયપર પડી ને ઉંઘી ગઈ. એકલી ગંગાજ જાગતી હતી. ગંગાએ પોતાની જે બરદાસ્ત ને ચાકરી કીધી હતી, તેથી ડાસાના મનમાં એટલો બધો પ્રેમનો ઉમળકો છૂટતો હતો કે તેનાથી પોતાના ઉભરા કાઢવા વિના રહેવાયું નહિ.