આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
ધણિયાણી


“અરે ! અરે ! મારા પર દયા કરો !” તે ઘરડા માણસે પોતાની સ્ત્રીની તરફ નજર કરીને બૂમ મારી.

“ત્યારે હું જાઉં ? તમે સઘળાં કાઢી મૂકવા માગો છો ?” કર્કશાબાઈએ કહ્યું.

"સાસુજી ! તમે એમ ન બેાલો, મેં કે સસરાજીએ તમને એમ કહ્યું નથી, પણ તમે હમણાં ખીજવાઈ ગયાં છો, તે જરાક દાતણપાણી કરીને આવો તો ઠીક.” ગંગાએ, રખેને તેમની સાથે લડ લડી થાય તેટલા માટે ધીમેથી જવાબ દીધો.

“પણ ત્યારે હું એમની ધણિયાણી ખોટી ? તમે બેઠાં બેઠાં ચાકરી કરો, ને હું દૂરની દૂર જોયા કરું ?”

“હા, હા !” ડોસાએ પાછો જવાબ વાળ્યો. “જા બાપા, જા, તારાથી પરમેશ્વર પણ તોબા થયો છે. મારે તારી પાસે ચાકરી કરાવવી નથી. તેં મારી ઘણી ચાકરી કીધી છે, હવે શી કરવાની હતી? હમણાં તેં મારી કેવી ચાકરી કીધી છે ને હવે એ જ દુઃખે હું મરીશ, ને ત્યારે તારી પીડાથી છૂટીશ.” ખૂબ ચીઢમાં ડોસાએ કહ્યું, “ને હું મરીશ ત્યારે તારા જીવને જંપ વળશે.”

“તમે મને કાઢી મૂકો છો ?”

“ના.”

“ત્યારે હું ક્યાં જાઉં ?”

“ઘરમાં બીજી જગ્યા બળી નથી ?”

“પણ હું ત્યાં શું કામ જાઉં ?”

“મને દુ:ખથી મોકળો કરવા.”

“મારું તો કોઈને મેાંજ નથી ગમતું !”

“કોણ કહે છે કે નથી ગમતું ?”

“તમે જ તો.”

“જુઠી છે તું ! તને કોઇનું મોં નથી ગમતું."