આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦૬

ગંગા–ગુર્જર વાર્તા


“જ્યારે મને કોઇનું મોં નથી ગમતું, ત્યારે બોલાવો છો શું કામ ?”

“કોણ તને બોલાવા આવ્યું હતું ?”

“લો ત્યારે હું જઈશ ! મારા જવાથી તમે સુખી થશો ?”

“બેશક !"

તરત ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠાણી બાહાર નીકળી ગયાં. તેમના જવા પછી ગંગાને તરત નીરાંત વળી; કેમકે આટલી બધી વાતચીત થઈ તેથી ડોસાના મગજપર પુષ્કળ તાવ વધી ગયો હતો, ને એ જ તાવ એમના મોતનું કારણ થઇ પડ્યો. ખરું પૂછાવો તો મોહનચંદ્રનું કાળસ્વરૂપ લલિતાબાઇ હતી.

મોહનચંદ્ર થોડીકવાર પડી રહ્યા, તેમને લાવીને કાંજી આપવા માંડી; સહજ સાજ લીધી, પણ ગળે ઉતરી નહિ. તરત જ ડોકટરને તેડવા માણસ મોકલ્યું હતું એટલે તેઓ આવી પહોંચ્યા. તબીયત તપાસ્યા પછી કંઇક ઔષધ આપવાનું કહીને તેઓ ચાલ્યા ગયા. ડાક્ટર ગંગાને જણાવતા ગયા કે હવે તબીયત હાથમાં નથી.

ડાક્ટરના ગયા પછી થોડીકવારે ડોસાએ પાછું બેાલવા માંડ્યું. હવે તેમને બોલતા અટકાવવા એ નહિ બને તેવું હતું. જો કે હજી પૂરતી શુદ્ધિમાં ડોસા હતા.

“બેહેનો !” ઘણા ઘાડા સ્વરે મોહનચંદ્રે કહ્યું, “આ બધી વાતો તમે અહિયાં જ દાટી દેજો. જે ચાલ, ગંગા તારી સાસુએ, ને કમળી તારી માએ ચલાવી છે, તેથી મારા મુવા પછી તે બે કોડીની થશે. પણ હશે ! મારે શું હવે ? મારે ક્યાં દેખવું છે ? સાંભળ્યાનો સંતાપ ને દીઠાનું ઝેર ! પણ કેશવલાલ ક્યાં છે?”

તરત જ ઓરડામાં કેશવલાલ જે પોતાના સાહેબની સ્વારીમાં હતો તે પોતાના બાપનો મંદવાડ સાંભળી આવ્યો હતો તે દાખલ થયો. તેની પછાડી તેની પત્ની તુળજાગવરી પણ હતી, ને તેના હાથમાં મદન પણ હતો.